Ahmedabad: ‘દિલ્હી મોડલ’ જોવા નીકળેલા નેતાઓએ પહેલા રાજ્યની શાળાઓ જોવાની જરૂર ! ‘સ્માર્ટ મોડેલ’ના દાવા વચ્ચે વાસ્તવિકતા કંઈક જુદી જ
અમદાવાદ શહેરમાં ચોમાસાની (Monsoon 2022) શરૂઆતમાં જ પડેલા ભારે વરસાદે 'સ્માર્ટ મોડલ'ની પોલ ખુલી પાડી દીધી છે. આ શાળાની હાલતને પગલે વાલીગણોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચોમાસાની (Monsoon) શરૂઆતમાં જ અમદાવાદના(Ahmedabad) ‘સ્માર્ટ શાળા’ના(Smart School) દાવા પોકળ સાબિત થયા છે. શહેરના ગીતા મંદિર વિસ્તારમાં આવેલ શ્રી એન એ શાહ વિદ્યાલયની હાલત એ છે કે ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે. અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છતાં પણ કોઈ કામગીરી ન થતાં હાલ વાલીઓની ચિંતા વધી છે તો બીજી તરફ શાળાના ઈમારતની જર્જરિત હાલતે દિલ્હી મોડલ (Delhi model) જોવા નીકળેલા નેતાઓના ગાલે તમાચો માર્યો છે.
અનેક વાર રજૂઆત, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં !
આ શાળાને ‘સ્માર્ટ મોડલ‘ (Smart Model) શબ્દ સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ લાગે છે. કેમ કે જ્યાં જુઓ ત્યાં શાળાની જર્જરિત હાલત જ દેખાઈ રહી છે. જ્યાં સુવિધા તો દૂર પણ ગમે ત્યારે છત કે દીવાલ પડે તેવી દયનીય હાલત છે. માહિતી મુજબ મંગળવારે શાળાના (School) પાછળના જર્જરિત ભાગમાંથી કેટલોક ભાગ પડી પાછળ આવેલ સાગર સોસાયટીના એક મકાનમાં પડ્યો. જો કે આ ઘટનામાં સદનસીબે એક મહિલાનો આબાદ બચાવ થયો. સ્થાનિકોની વાત માનીએ તો એન એ શાહ વિદ્યાલયને 60 વર્ષ જેટલો સમય થયો છે. ત્યારથી લઈને હાલ સુધી શાળામાં કોઈ નવીનીકરણ કરાયુ નથી.
શાળાની જર્જરિત હાલતને પગલે વાલીઓમાં રોષ
તેમાં પણ શાળાની 10 વર્ષથી હાલત જર્જરિત બન્યાના સ્થાનિકોના આક્ષેપ છે. જે અંગે સ્થાનિકોએ શાળામાં અને શિક્ષણ વિભાગમાં (Education Department) પણ અનેક રજુઆત કરી છે. જોકે તેમ છતાં કોઈ ઉકેલ નથી આવ્યો. ત્યારે હાલ જર્જરિત શાળાની ઈમારતને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ આજુબાજુના લોકોને પણ જર્જરિત શાળામાં દૂર્ઘટના થવાનો ભય સતાવી રહ્યો છે. શાળાની આ જ પરિસ્થિતિ ને જોતા Tv9ની ટીમે શાળા અંદર મુલાકાત કરી. તો શાળા અંદર અભ્યાસ કરતા હતા. તેમજ સ્ટાફ પણ હતો. જ્યાં શાળામાં ધોરણ 9 અને 10ના 4 વર્ગમાં 184 બાળકો અભ્યાસ કરતા હોવાની પણ વિગત સામે આવી છે. વધુ તપાસ કરી તો શાળાના અંદરના ભાગમાં પણ કેટલોક જર્જરિત ભાગ હતો અને જ્યારે બાળકોને પૂછ્યું તો તેઓએ ભય લાગતા હોવાનું જણાવ્યું અને શિક્ષકોને પૂછ્યું તો તેઓએ સમગ્ર જગ્યા મોઢવનિકની હોવાનું જણાવી બાબુભાઇ દેસાઈ શાળા ભાડે ચલાવતા હોવાનું અને તમામ તકેદારી રાખતા હોવા તેમજ કોઈ નુકશાન નહીં હોવાનું રટણ રટ્યું.
શું તંત્ર દૂર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ?
જોકે વાત વાતમાં સ્ટાફે શાળાની જર્જરિત હાલતનો સ્વીકાર કરી ભય લાગતા હોવાનું તેમજ ઉપરી અધિકારીને જાણ કરી હોવાનું પણ જણાવ્યું. તમને જણાવી દઈએ કે શાળા જેમની છે, તે બાબુભાઈ દેસાઈ (Babubhai Desai) ભાજપમાં કન્વીનર પદે હોવાની ચર્ચા છે. ગીતા મંદિરની આ શાળા જિલ્લા શિક્ષણાધિકારીના અંડરમાં આવેલ છે. જેથી TV9ની ટીમે અધિકારીનો (Education officers) ટેલિફોનિક સંપર્ક પણ કર્યો. જોકે અધિકારીએ શાળા અંગે કઈ જાણ નહીં હોવાનું જણાવી તપાસ કરીને વધુ વિગત આપવા જણાવવાનું કહ્યું.
ત્યારે સવાલ એ થાય છે કે જો સ્થાનિકોના કહેવા પ્રમાણે 10 વર્ષથી શાળાની હાલત જર્જરિત હોય તો 10 વર્ષમાં અધિકારીને કેમ આ બાબતની જાણ ન થઈ? કે પછી જાણ હોવા છતાં શાળા ભાજપના સભ્યની હોવાથી તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું તો સવાલ એ પણ થાય કે શુ તંત્ર કોઈ મોટી દુર્ઘટના બનવા અને બાળકોના જીવ જવાનું રાહ જોઈ રહ્યું છે? ત્યારે સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા શાળાને લઈને કોઈ નિર્ણય લેવાય જેથી કોઈના જીવ જોખમમાં ન મુકાય.