ઓમિક્રોનથી અમદાવાદમાં ફફડાટ, વેક્સિન લેવા લોકોએ લગાવી દોટ: બેદરકાર બનેલી પ્રજા જાગી!
Ahmedabad: વિશ્વભરમાં ઓમિક્રોનની દહેશત જોવા મળી રહી છે. એક તરફ જામનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી થઇ છે તો અન્ય તરફ અમદાવાદમાં વેક્સિનેશનનો આંક વધ્યો છે.
Ahmedabad: કોરોનાના (Corona) નવા વેરિએન્ટ ઓમિક્રોનની (Omicron) એન્ટ્રી બાદ વિશ્વભરમાં ભયનો માહોલ છે. તો લોકોને પણ ત્રીજી લહેરનો ડર લાગ્યો છે. ઓમિક્રોનના ડરની અસર અમદાવાદ શહેરના વેક્સિનેશન (Vaccination) પર જોવા મળી રહી છે. આ ડરથી શહેરમાં રસીકરણમાં વધારો થયો છે. દિવાળી પહેલા અને દિવાળી બાદની ગણતરી મુજબ હાલ વેક્સિનેશન આંક વધ્યા છે. જણાવી દઈએ કે દિવાળી પહેલા અને પછી શહેરમાં દરરોજ 8 થી 10 હજાર લોકોને વેક્સિન આપવા આવતી હતી.
બીજી લહેર બાદ કોરોનાના કેસો ઘટતાં વેક્સિન લેવામાં લોકોનો રસ ઘટ્યો હતો. સમયમર્યાદા પૂર્ણ થવા છતાં લોકો બીજો ડોઝ લેતા નહોતા પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસો વધતા અને નવા વેરિએન્ટની એન્ટ્રીથી છેલ્લા એક અઠવાડિયાથી વેક્સિન લેનાર લોકોની સંખ્યા વધી રહી છે. નવો વેરિએન્ટ આવતા જે લોકોને બીજો ડોઝ બાકી છે તે લોકો સફાળા જગ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે.
જણાવી દઈએ કે ગુજરાતમાં ઓમિક્રૉનની એન્ટ્રી થતાં તંત્ર વધુ સતર્ક બની ગયું છે. જામનગરના મોરકંડાના આધેડ વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે. આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જી.જી.હોસ્પિટલમાં આઇસોલેશન કરાયા છે.
તો આધેડ દર્દીના સંપર્કમાં આવેલા 10 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 87 લોકોને ટ્રેસ કરાયા છે. ગત 28 નવેમ્બરે આધેડ ઝિમ્બાબ્વેથી પરત ફર્યા છે. 29 નવેમ્બરે શરદી-ઉધરસના લક્ષણો હોવાથી ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતા આધેડને હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ ઓમિક્રોનની શંકાના આધારે સેમ્પલ પુણે મોકલાયા હતા જેમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 38 દેશોમાં ઓમિક્રૉનની એન્ટ્રી થઈ ચુકી છે. ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે જેમાંથી એક દર્દી ગુજરાતમાં અને અન્ય બે દર્દી કર્ણાટકમાં સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા 183 કેસ, ઘાના 33 કેસ, બ્રિટન 32 કેસ, બોત્સવાના 19 કેસ, નેધરલેન્ડ 16 કેસ, પોર્ટુગલ 13, ઓસ્ટ્રેલિયા 8, હોંગકોંગમાં 7, કેનેડામાં 7 કેસ, ડેન્માર્કમાં 6 કેસ નોંધાયા છે.તો ઇટાલી, ઓસ્ટ્રિયા અને સ્વીડનમાં 4-4, સાઉથ કોરિયા, નાઇઝિરિયા અને સ્વિત્ઝરલેન્ડમાં 3-3, ઇઝરાયેલ, બ્રાઝિલ, જાપાન, બેલ્જિયમ, સ્પેન, નોર્વેમાં 2-2 અને અમેરિકા તેમજ સાઉદીમાં એક-એક કેસ નોંધાયો છે.
આ પણ વાંચો: Ahmedabad: લીધી હતી પોર્સની કરોડોની કાર, હવે સર્વિસથી નાખુશ વ્યક્તિએ કર્યું એવું કામ કે તમે પણ ચોંકી જશો