અમદાવાદમાં વકફ બોર્ડમાં બની બેઠેલા ટ્રસ્ટીઓએ લાખોની ઠગાઇ કરી હોવાનો ખુલાસો સામે આવ્યો છે.. બોગસ ટ્રસ્ટી બનીને આરોપીઓએ 100 કરોડની મિલકતોનું 20 વર્ષ સુધી ભાડું પણ વસૂલ્યું અને બોર્ડમાં જમા ન કરાવીને AMC તથા વકફ બોર્ડને કરોડોનો ચૂનો પણ ચોપડ્યો. સમગ્ર મામલે કાર્યવાહી કરતા ગાયકવાડ હવેલી પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં સલીમ ખાન, મહમંદ યાસર, મેહમૂદ પઠાણ, મોહમદ ચોબદાર, સાહીદ શેખનો સમાવેશ થાય છે. આરોપીઓની ધરપકડ બાદ તમામને સાથે રાખીને પોલીસે પંચનામુ કર્યું.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, AMCની જગ્યા પર બનાવાયેલી સ્કૂલ 2001ના ભૂકંપમાં જર્જરીત બની હતી. મોકાનો ફાયદો ઉઠાવી 2009માં બની બેઠેલા ખોટા ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડીને ઉર્દૂ શાળા બનાવવાને બદલે 10 દુકાનો તાણી બાંધી હતી. ગુનામાં સામેલ આરોપીઓએ આ તમામ દુકાનો ભાડે આપી દીધી અને ભાડુ ટ્રસ્ટમાં જમા કરવાને બદલે ચાઉ કરીને ઠગાઇ આચરી. મામલો ધ્યાને આવતા હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કાંચની મસ્જિદ વિસ્તારમાં આવેલી ટ્રસ્ટની 5 હજાર ચોરસ મીટર જગ્યામાં આરોપીઓએ ફ્લેટ તાણી બાંધ્યાનું પણ સામે આવ્યું હતું. આરોપીઓએ 100 મકાનો બાંધીને પ્રત્યેકનું ₹10 હજારનું ભાડું વસૂલતા હતા અને ભાડાની રકમનો અંગત કામમાં ઉપયોગ કરતા હતા. આશરે 100 કરોડની આસપાસની મિલકતનો બની બેઠેલા ટ્રસ્ટીઓએ બારોબાર વહીવટ કરીને ન માત્ર વકફ બોર્ડને, પરંતુ AMCને પણ ચૂનો ચોપડ્યો હતો. ઉલ્લેખનયી છે કે ગુનામાં સામેલ મુખ્ય આરોપી સલીમ ખાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ, પોલીસે પાંચેય આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
Published On - 3:44 pm, Mon, 21 April 25