તંત્ર દ્વારા ઘર તોડવામાં આવ્યુ પરંતુ શ્વેતાની હિંમત ન તૂટી, સ્ટ્રીટ લાઈટના સહારે સખત મહેનત કરી ધોરણ 10મા લઈ આવી 94%- Video

અમદાવાદની નાનકડી દીકરી શ્વેતા યાદવ આજે દેશના તમામ દીકરા-દીકરીઓ માટે પ્રેરણા રૂપ બની છે. શ્વેતા જ્યારે ધોરણ 10ની તૈયારી કરતી હતી ત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં અન્ય આરોપીઓના ઘર જોડે તેનુ ઘર પણ કોઈ આગોતરી નોટિસ આપ્યા વિના તોડી પાડવામાં આવ્યુ હતુ. ઘર તૂટ્યુ, માથે છત ન રહી પરંતુ આ ઘટના નાનકડી દીકરીના ઈરાદાઓને ન તોડી શકી. આ ઘટના બાદ શ્વેતા વધુ મક્કમ બની અને સ્ટ્રીટ લાઈટના સહારે પણ સખત મહેનત કરીને ધોરણ 10માં 94% મેળવ્યા છે.

તંત્ર દ્વારા ઘર તોડવામાં આવ્યુ પરંતુ શ્વેતાની હિંમત ન તૂટી, સ્ટ્રીટ લાઈટના સહારે સખત મહેનત કરી ધોરણ 10મા લઈ આવી 94%- Video
| Edited By: | Updated on: May 08, 2026 | 5:03 PM

“લોગ તૂટ જાતે હૈ એક ઘર બનાને મે, તુમ તરસ નહીં ખાતે બસ્તીયા ઉજાડને મે..” બશીર બદ્રનો આ શેર એટલે યાદ આવે છે કે એક વ્યક્તિની સજા જ્યારે કોઈ જ વાંક ગુના વિના આખે આખા નિર્દોષ પરિવારને મળે ત્યારે પરિવાર પર શું વિતતી હોય તે તો પરિવાર જ સમજતો હોય. કંઈક આવુ જ થયુ હતુ અમદાવાદની શ્વેતા યાદવના પરિવાર સાથે.

તંત્રએ કોઈ જ આગોતરી નોટિસ આપ્યા વિના ઘર તોડી નાખ્યુ

ધોરણ 10માં અભ્યાસ કરતી શ્વેતા યાદવનો પરિવાર વસ્ત્રાલમાં રહે છે અને કેટલાક અસામાજિક તત્વોના કારણે તેને પણ ન ધારેલી આપત્તિ વેઠવાને વારો આવ્યો. આરોપીના ઘર પર બુલડોઝર ચાલ્યુ તેા તંત્ર દ્વારા શ્વેતાનું ઘર પણ તોડી પાડવામાં આવ્યુ. આવા સંજોગોમાં પણ શ્વેતા હિંમત ન હારી અને એકાએક માથેથી છત છીનવાઈ ગયા છતા ટેન્ટમાં રહીને પણ તેણે ધોરણ 10ની બોર્ડ એક્ઝામ માટે સખત મહેનત કરવાનું શરૂ રાખ્યુ. ત્યાં સુધી કે તેના ટેન્ટમાં લાઈટ-પંખા જેવી કોઈ જ સુવિધા ન હોવા છતા આ નાનકડી દીકરીએ સ્ટ્રીટ લાઈટના સહારે પણ તેની મહેનત ચાલુ રાખી અને સખત મહેનત સાથે ધોરણ 10ની બોર્ડની એક્ઝામ આપી.

પહેલા આ વીડિયો જુઓ

લાઈટ, પંખા જેવી કોઈ જ સગવડ વિના શ્વેતાએ સખત મહેનત કરવાનું ન છોડ્યુ

કહે છે ને કે “સખત પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી.” બસ થયુ પણ એવુ જ. શ્વેતા યાદવની મહેનત રંગ લાવી. ધોરણ 10નુ પરિણામ આવ્યુ અને શ્વેતાને 98PR સાથે 94% લઈ આવી છે. તંત્ર એ તેનું ઘર તો તોડી નાખ્યુ પરંતુ આ નાનકડી દીકરીનો અડગ આત્મવિશ્વાસ અને અભ્યાસ પ્રત્યેની તેની લગનને ન તોડી શકી. શ્વેતા યાદવે ધોરણ 10માં ગણિતામાં 100, સાયન્સમાં 99, સોશિયલ સાયન્સમાં 98 માર્ક્સ મેળવ્યા છે. સામાન્ય છોકરાઓ 2-2, 3-3 ટ્યુશન રાખીને પણ જે કરી નથી શક્તા તે શ્વેતાએ તેની મહેનતથી કરી બતાવ્યુ છે.

આજે શ્વેતાને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે આગળ શું કરવા માગે છે તો આ નાનકડી દીકરીનો ગોલ એક્દમ ક્લિયર છે. તે 11,12th માં સાયન્સ લઈને UPSC જેવી સિવિલ સર્વિસની એક્ઝામ ક્રેક કરીને IAS-IPS બનવા માગે છે.

IAS-IPS શા માટે બનવુ છે?

તંત્રનું બુલડોઝર ફર્યા બાદ શ્વેતાના પરિવારે ટેન્ટમાં દિવસો વિતાવ્યા. શ્વેતાએ સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને અભ્યાસ કર્યો. શ્વેતા અને તેની બહેનનો દાવો છે કે તેમનો ભાઈ નિર્દોષ છે. જે સમયે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી ત્યારે તે ત્યાં હાજર પણ ન હતો છતા તંત્ર દ્વારા કોઈ જ તપાસ કર્યા વિના કે આગોતરી નોટિસ વિના અન્ય આરોપીઓના ઘરની સાથે તેના ઘરને તોડી પાડવામાં આવ્યુ. તેના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી. હાલ પરિવારનું એક જ રટણ છે કે એક વ્યક્તિની સજા તેના સમગ્ર પરિવારને શા માટે મળવી જોઈએ ? આ રીતે કોઈનું પણ ઘર ન તૂટવું જોઈએ. અને એટલે જ હવે શ્વેતા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી UPSC ક્લિયર કરી IAS- IPS બનવા માગે છે. તે તંત્રની અંદર જઈ કામગીરી કરવા માગે છે. જેથી તેમની સાથે જેવો અન્યાય થયો તેવો બીજા સાથે ન થાય.

Input Credit- Narendra Rathod- Ahmedabad

દીદીને તેના જ ગઢમાં પડકારી બંગાળની જીતના સૌથી મોટા નાયક બનનારા શુભેન્દુ અધિકારી કોની પાસેથી શીખ્યા રાજનીતિની ABCD? – વાંચો

 

Published On - 4:57 pm, Fri, 8 May 26

Follow Us