અમદાવાદ : શાહીબાગ BAPS મંદિરમાં શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રિય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને અન્ય વરિષ્ઠ સંતો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાનના નામસ્મરણ અને પ્રાર્થના સાથે આ સમારોહનો પ્રારંભ થયો હતો.
Ahmedabad : પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનેક શાસ્વત કાર્યો પૈકીનું એક મહાન કાર્ય એટલે પારિવારિક શાંતિ અભિયાન. પ્રમુખસ્વામી મહારાજે પાયેલાં એ પારિવારિક શાંતિનાં અમૃતને તેઓના શતાબ્દી પર્વે બીજાં અસંખ્ય પરિવારોમાં વિસ્તારવા માટે તેઓના આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજે પ્રેરણા આપી, જેના પરિણામે તાજેતરમાં ભારત અને વિદેશોમાં પણ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક અનોખું પારિવારિક શાંતિ અભિયાન યોજાઈ ગયું. જેને લઈને ઘરો ઘર ઘૂમીને પારિવારિક શાંતિ અને એકતાનો સંદેશ આપનારા બી.એ.પી.એસ.ના એ હજારો નિસ્વાર્થ સ્વયંસેવકોને બિરદાવતો એક વિશિષ્ટ શાનદાર સમારોહ ગુજરાતના (CM Bhupendra patel) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, મંત્રી જગદીશ પંચાલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રિય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને અન્ય વરિષ્ઠ સંતો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાનના નામસ્મરણ અને પ્રાર્થના સાથે આ સમારોહનો પ્રારંભ થયો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ના જીવન, કાર્ય અને સંદેશ પર પ્રેરણાદાયી વિડિઓ બાદ, પૂજ્ય સંતોએ પારિવારિક શાંતિ અભિયાન લક્ષી આંકડાકીય માહિતી અને સ્વયંસેવકોના સમર્પણ ની ગાથાઓને પ્રસ્તુત કરી હતી.
1 માર્ચ 2020ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આણંદ ખાતે પ્રાતઃકાળે દીપ પ્રગટાવીને પારિવારિક શાંતિ અભિયાનનો વિધિવત પ્રારંભ કર્યો. અને પ્રત્યેક ઘરના સંપર્ક દરમ્યાન શતાબ્દી સેવકોએ પ્રમુખસ્વામી મહારાજે આપેલ પારિવરિક શાંતિ માટેનાં ત્રણ આયોજનો (1) ઘરસભા (2) સમૂહ ભોજન (3) સમૂહ આરતી-પ્રાર્થના અંગે નિઃસ્વાર્થ ભાવે પ્રેરણાઓ આપી અને કેટલાંયને વ્યસનો પણ છોડાવ્યાં. આ અભિયાન દરમ્યાન જેમનો સંપર્ક કરવામાં આવ્યો હોય તેવા સદભાવીને સંપર્ક બાદ પણ પારિવારક શાંતિની પ્રેરણા સતત પ્રાપ્ત થતી રહે તે માટે ‘પ્રેરણાસેતુ એપ્લીકેશન’ તૈયાર કરવામાં આવી.
આ અભિયાન માત્ર 12 દિવસ ચાલ્યું ત્યાં અચાનક કોરોના મહામારીનું આક્રમણ થયું અને જાહેર જનજીવનની સુરક્ષાને લક્ષમાં લઈને સંસ્થા દ્વારા આ અભિયાન ૧૩ માર્ચ 2020 થી થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યું. મહામારીના લગભગ પોણા બે વર્ષ બાદ પુનઃ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અને એ હજારો શતાબ્દી સેવકો સાથે ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ના દિનથી પુનઃ આ અભિયાન સતત અઢી મહિના સુધી વણથંભ્યું દોડતું રહ્યું.
આમ સતત અઢી મહિનાના પ્રચંડ અભિયાનના અંતે જે આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ તે એક ફળશ્રુતિરૂપે આમ રજૂ કરી શકાય
આ પારિવારિક શાંતિ અભિયાનમાં કુલ 72,806 પુરુષ-મહિલા શતાબ્દી સેવકો સેવામાં જોડાયાં હતાં.
ભારતનાં કુલ 17 રાજ્યોનાં કુલ 10,012 જેટલાં શહેર-ગામડાંઓમાં પરિભ્રમણ કરીને સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો.
કુલ 24,00,052 જેટલાં પરિવારોમાં જઈને 60,57,635 વ્યક્તિઓને પારિવારિક શાંતિની પ્રેરણા આપવામાં આવી.
આ વિરાટ અભિયાન દરમિયાન દરેક શતાબ્દી સેવકે સરેરાશ 100થી વધુ કલાકનો સમય પારિવારિક સંપર્કમાં વિતાવ્યો. પરિણામે તમામ શતાબ્દી સેવકોએ કુલ 72,00,000 થી વધુ માનવ કલાકોનું સમયદાન કરીને એક ઉમદા સેવાકાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું.
તેના ફળસ્વરૂપે અસંખ્ય પરિવારોમાં પારિવારિક એકતાનો મંત્ર ઘુંટાયો અને 4,24,696 પરિવારોએ ઘરસભા કરવાનો સંકલ્પ કર્યો.
10,28,560 પરિવારોએ ઘરમાં સમૂહ આરતી-પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો.
19,38,375 પરિવારોએ દિવસમાં એકવાર સમૂહ ભોજન કરવાનો સંકલ્પ કર્યો.
પારિવારિક શાંતિ અભિયાનની ઝલક બાદ અનેક સ્વયંસેવકોએ આ અભિયાન અંતર્ગત થયેલાં વિશિષ્ટ પ્રેરણાદાયી અનુભવોનું સ્મરણ કર્યું હતું.
પારિવારિક શાંતિ અભિયાનમાં જોડાયેલા સ્વયંસેવકોને બિરદાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હળવા મૂળમાં પ્રવચનની શરૂઆત કરી. તેમજ ડિસેમ્બર મહિનામાં 600 એકર જગ્યામાં શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હોવાનું જણાવી દરેક કાર્યનું વિશેષ મહત્વ અને આયોજન હોવાનું જણાવ્યું. તેમજ પ્રમુખ સ્વામી મહારાજનો વિડિઓ વહેલી તકે જોવાથી લોકોને તેનો લાભ તેમના થકી થશે તેવી પણ હળવા મૂળથી વાત મુખ્યમંત્રીએ કરી. તેમજ સરકાર ની કામગીરી પણ સ્વયંસેવકો સામે વર્ણવી. તેમજ છોડમાં રણછોડ જોઈએ અને ઘરમાં રણછોડ ન જોઈએ તો શું મતલબ તે વાત પણ જણાવી. તો આઝાદી કા અમૃત મહોત્સવ નો પણ ઉલ્લેખ કરી સ્વયંસેવકોની કામગીરીને દેશ સેવા ગણાવી.
શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ સ્વયંસેવકોની કામગીરી વધાવી પોતાના જાત અનુભવ જણાવ્યા. સાથે જ baps સંસ્થાની આ કામગીરી માંથી સરકારે વ્યવસ્થા શીખવી જોઈએ તેવી પણ વાત વર્ણવી.
તો મંત્રી જગદીશ પંચાલ પણ પોતાના અનુભવો જણાવી પ્રમુખ સ્વામી મહારાજ હિન્દુત્વને આગળ વધારવા પ્રયત્નશીલ રહ્યા તેમ જણાવ્યું. આબુધાબી માં પણ સંતો સભા કરશે તેવી વાત કરી વૈશ્વિક ફલક પર હિન્દુત્વ પહોંચ્યા હોવાનું જણાવ્યું.
આ પણ વાંચો :Ahmedabad : નરોડાનું માધવ ઉદ્યાન બન્યું આકર્ષણનું કેન્દ્ર, ચિત્રકારે વૃક્ષોને આપ્યું 3D લૂક
આ પણ વાંચો :Ahmedabad : અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ, બે શખ્સો ઝડપાયા