જગન્નાથ પુરીની રથયાત્રા બાદ ભારતમાં અમદાવાદની (Ahmedabad) રથયાત્રા (Rathyatra) સૌથી વધુ જાણીતી છે. આજે અક્ષય તૃતિયાના શુભ મુહૂર્તમાં જગન્નાથ મંદિરમાં (Jagannath Temple)આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી. જો કે 144 વર્ષ જૂના રથની આ છેલ્લી પૂજા કરવામાં આવી છે. કારણકે આગામી 146મી રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. આ વર્ષે જ રથ બનાવવાની શરુઆત થાય તે માટે લાકડા પણ લાવી દેવામાં આવ્યા છે.
જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીએ નવા રથના નિર્માણ અંગે TV9ને વિશેષ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે જે રીતે જુના રથ અત્યાર સુધી ભગવાનની 144 રથયાત્રા સારી રીતે પૂર્ણ કરતા રહ્યા છે. તે જ રીતે નવા રથનું નિર્માણ મજબુતાઇ સાથે કરવામાં આવશે. અમદાવાદના રસ્તાઓ તેમજ પરંપરાગત રુટમાંથી રથ પસાર થઇ શકે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવશે. જુના રથની ડિઝાઇનનું થોડુ અનુકરણ નવા રથમાં જોવા મળશે. સાથે જ તેમા જગન્નાથ પુરીના દર્શન પણ થઇ શકશે.
નવા રથ બનાવડાવાનો આ નિર્ણય ભક્તોની જ સુવિધા માટે કરવામાં આવ્યો છે. રથની ખાસ વિશેષતા એ છે કે ભક્તો ભગવાનના દર્શન ખૂબ સારી રીતે કરી શકે તેવી રીતે તેની રચના કરવામાં આવશે. સાથે જ ભગવાનના રથમાં ખૂબ જ ઓછા લોકો તેમા સવાર થઇ શકે તેવી રીતે બનાવાશે. ભક્તો ગમે તેટલા દૂર હોય રે રથયાત્રાના રુટ પર પોતાના મકાનની છત પરથી પણ જો રથયાત્રા નિહાળતા હોય તો સરળતાથી તે દર્શન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા રથમાં બનાવવામાં આવશે.
ભગવાનના આ નવા રથ તૈયાર કરવા માટે 7 મહિનાનો સમય લાગશે. રથના નિર્માણ કાર્યમાં ગુજરાતના કેટલાક લોકો જોડાશે. તો પુરીના કારીગરો સાથે પણ રથના નિર્માણ કાર્ય અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું દિલીપદાસજી મહારાજે જણાવ્યુ હતુ.
દિલીપદાસજી મહારાજે જણાવ્યુ હતુ કે રથ બનાવવા માટે જેટલા પ્રમાણમાં લાકડાની જરુર હતી. તેટલા લાકડા સમયસર મંદિરમાં પહોંચ્યા ન હતા. જેના કારણે આ વર્ષે ભગવાન નવા રથમાં બીરાજમાન નહીં થઇ શકે. જો કે આવતા વર્ષે ભગવાનના નવા રથમાં જ સવાર થઇ નગર ચર્યા કરશે તેવુ જણાવ્યુ હતુ.
Published On - 2:56 pm, Tue, 3 May 22