
અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજી મંદિરની 149મી રથયાત્રા પૂર્વે જ્યેષ્ઠ સુદ પૂનમના પાવન અવસરે પરંપરાગત જળયાત્રા ભવ્ય રીતે નીકળી. બળદગાડામાં બિરાજમાન ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપતા જળયાત્રા નિજ મંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીના ભુદરના આરે પહોંચશે. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા સમગ્ર માર્ગ પર ‘જય જગન્નાથ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો.
ભુદરના આરે વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ગંગા પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવશે. ત્યારબાદ 108 કળશમાં સાબરમતી નદીનું પવિત્ર જળ ભરવામાં આવશે. આ પવિત્ર જળને ભક્તિભાવપૂર્વક મંદિર સુધી લાવવામાં આવશે, જ્યાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવશે.
જળાભિષેક પૂર્ણ થયા બાદ ભગવાનને વર્ષમાં માત્ર એક જ વખત ધારણ કરાવવામાં આવતા વિશેષ ગજવેશથી અલંકૃત કરવામાં આવશે. ભગવાનના આ દુર્લભ ગજવેશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી પડશે. ગજવેશ દર્શનને જગન્નાથ પરંપરામાં વિશેષ ધાર્મિક મહત્વ આપવામાં આવે છે.
જળયાત્રા અને જ્યેષ્ઠાભિષેકની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી વાજતે-ગાજતે પોતાના મોસાળ સરસપુર પધારશે. પરંપરા મુજબ ભગવાન આગામી 15 દિવસ સુધી સરસપુરમાં નિવાસ કરશે. ત્યારબાદ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે 149મી ભવ્ય રથયાત્રા માટે નગરચર્યાએ નીકળશે.
જળયાત્રાના સમગ્ર રૂટ પર ભક્તિ અને શૌર્યનો અનોખો સમન્વય જોવા મળ્યો. વિવિધ અખાડાના ખેલૈયાઓએ પોતાના હેરતઅંગેજ કરતબો રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું. સાથે જ ભજન મંડળીઓએ ભગવાનના ભજનો અને ધૂનથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું, જ્યારે ઢોલ-નગારાના તાલે ભક્તો ઉત્સાહપૂર્વક યાત્રામાં જોડાયા હતા.
જગન્નાથ મંદિરની પરંપરામાં જળયાત્રાને રથયાત્રા પૂર્વેનો સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર ધાર્મિક પ્રસંગ માનવામાં આવે છે. જ્યેષ્ઠાભિષેક, ગજવેશ દર્શન અને મોસાળગમનની આ સમગ્ર પરંપરા સદીઓથી ભક્તિભાવ સાથે ઉજવાઈ રહી છે. આ વર્ષે પણ હજારો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે સંપન્ન થઈ રહ્યો છે.
આ પણ વાંચો- Breaking News : રામ મંદિર માટે દાન પર હવે કોણ નજર રાખી રહ્યું છે, દાનના પૈસા કેવી રીતે ગણાઈ રહ્યા છે?