અમદાવાદ (Ahmedabad)માં આનંદનગર વિસ્તારમાં રાજસ્થાની યુવતીને લગ્નની લાલચ આપીને બે મિત્રોએ દુષ્કર્મ (Rape) આચર્યુ હોવાની ફરિયાદ સામે આવી છે. યુવતીએ મુકેલા વિશ્વાસનો ફાયદો ઉઠાવી બંને આરોપીઓએ શારીરિક શોષણ કર્યુ. સમગ્ર કેસમાં આનંદ નગર પોલીસે (Anand Nagar Police) બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ધાસીસિંહ રાજપુત અને લહરસિંહ પઢિયાર બંને ખાસ મિત્રો છે અને યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેનું શોષણ કર્યું હતુ. ઘટના કંઈક એવી છે કે 24 વર્ષની રાજસ્થાનની યુવતી અગાઉના 2 લગ્ન જીવનથી કંટાળીને સહારો મેળવવા અમદાવાદના ધાસીસિંહ રાજપૂત સાથે લગ્ન કરવા આવી હતી.
1 ઓક્ટોબરના રોજ યુવતી અમદાવાદ આવી ત્યારે આરોપી ધાસીસિંહએ આનંદનગર વિસ્તારમાં આવેલ એક ઓરડીમાં લઈ ગયો અને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ તેના મિત્ર લહરસિંહ પઢીયારને બોલાવ્યો હતો. લહરસિંહ યુવતીને બાઈક પર વેજલપુરમાં પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં યુવતીની એકલતાનો લાભ લઈને લગ્ન કરશે તેવી લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. પરંતુ ત્યારબાદ આ બન્ને યુવકોએ લગ્ન કરવાનો ઈનકાર કરી દેતા મહિલાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પીડિત મહિલા રાજસ્થાનની રહેવાસી છે. તેણે રાજસ્થાનમાં પ્રથમ લગ્ન કર્યા હતા, પરંતુ પતિને દારૂની ટેવ હતી અને યુવતીને દરરોજ માર મારતો હતો, જેથી પતિથી કંટાળીને યુવતીએ છુટાછેડા લઈ લીધા અને રાજસ્થાનના અન્ય યુવક સાથે બીજા લગ્ન કર્યા. પરંતુ આ યુવક પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો અને યુવતી સાથે ઝઘડો કરીને મારતો હતો. જેથી યુવતીએ બીજા પતિને છોડીને ઘરે આવી ગઈ હતી. આ દરમિયાન એક કૌટુંબિક ભાઈએ અમદાવાદના ધાસીસિંહ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
યુવતીએ પોતાના સહારા માટે અને સુખી લગ્નજીવનનું સપનું જોઈને અમદાવાદ આવી ગઈ, પરંતુ આરોપીઓએ યુવતી સાથે લગ્ન ન કરી તેનુ શારીરિક શોષણ કરવા તેને લગ્નની લાલચ આપી હતી. આરોપી ધાસીસિંહ ચાની કીટલી પર નોકરી કરે છે, જ્યારે લહરસિંહ જ્યુસની લારી પર નોકરી કરે છે. હાલમાં આનંદ નગર પોલીસ બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નનું સપનું આ યુવતી માટે સજા બની ગઈ. યુવતીને લગ્નની લાલચ આપીને બંને મિત્રોએ દુષ્કર્મ આચર્યું. બે લગ્ન બાદ પણ સુખ નહીં મળતા ત્રીજા લગ્ન કરવા આવેલી રાજસ્થાનની યુવતી હવે લગ્ન શબ્દથી પરેશાન છે અને પોતાની સુરક્ષા માટે અને જીવન પસાર કરવા પોલીસની મદદ માંગી રહી છે. આનંદનગર પોલીસે આ બન્ને આરોપીએ અન્ય કોઈ યુવતી સાથે આ પ્રકારે કોઈ કૃત્ય કર્યું છે કે નહીં અને આરોપીઓનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.
Published On - 8:12 pm, Tue, 4 October 22