અમદાવાદમાં મૂશળધાર વરસેલા વરસાદે ખોલી નાખી તંત્રના ખોખલા દાવાની પોલ, કરોડોના પ્રોજેક્ટ 7થી8 ઈંચ વરસાદમાં ધોવાયા

દર વર્ષે એના જ એ જ ખોખલા દાવાઓ, જુઠા વાયદાઓ, મોટી ભ્રામક જાહેરાતો અને કાગળ પર બતાવવામાં આવતી હજારો કરોડની પ્રિમોન્સુન કામગીરી. આ વરવી વાસ્તવિક્તા છે સ્માર્ટ સિટી અમદાવાદની. આજે સવારથી વરસી રહેલા વરસાદે કોર્પોરેશનમાં ઉપરથી લઈને નીચે સુધી કેટલો ભ્રષ્ટાચાર વ્યાપેલો છે તેની પોલ ખોલી દીધી. સવારથી વરસેલા વરસાદમાં અમદાવાદની અને અમદાવાદીઓની જે દશા થઈ છે તે તંત્રના નર્યા ભ્રષ્ટાચારના બોલતા પુરાવા છે.

અમદાવાદમાં મૂશળધાર વરસેલા વરસાદે ખોલી નાખી તંત્રના ખોખલા દાવાની પોલ, કરોડોના પ્રોજેક્ટ 7થી8 ઈંચ વરસાદમાં ધોવાયા
| Edited By: | Updated on: Jul 23, 2026 | 7:03 PM

અમદાવાદીઓ છેલ્લા કેટલાય સમયથી સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે વહેલી સવારથી મેઘરાજાએ એ તમામ કસર પૂરી કરતા મુશળધાર બેટીંગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 7 થી 8 ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે અને હજુ પણ હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

જો કે દર વર્ષની જેમ અમદાવાદ માટે આ વરસાદ રાહતની સાથે આફત લઈને પણ આવ્યો છે. સવારથી વરસી રહેલા વરસાદમાં બપોર થતા સુધીમાં શહેરના મોટાભાગના માર્ગો જળમગ્ન બન્યા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યુ છે. વાતાવરણમાં પણ વિઝિબિલટી ઘટી જતા ભારે વાહનચાલકોને બપોરના સમયે પણ હેડલાઈટ શરૂ રાખવી પડી હતી.

મનપામાં સત્તાધિશો બદલાયા, પરંતુ અમદાવાદની દશા ન બદલાઈ

આ દરમિયાન દર વર્ષની જેમ તંત્રના હજારો કરોડના પ્રિમોન્સુન પ્લાનની પણ પોલ ખૂલી ગઈ. ત્યારે નાગરિકો સવાલ કરી રહ્યા છે કે થોડો વરસાદ હોય કે વધુ વરસાદ હોય, અમદાવાદમાં કોઈપણ પરિસ્થિતિમાં જળભરાવ ની સમસ્યા સર્જાય છે. તેનો કોઈ કાયમી ઉકેલ છે કે નહીં. તાજેતરમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. હાલ કોર્પોરેશનમાં સત્તાધિશો બદલાયા છે, અધિકારીઓ બદલાયા છે, મેયર, કમિશનર સહિતના બદલાયા છે પરંતુ નથી બદલાઈ તો અમદાવાદની હાલાકી. દર વર્ષે એની એ જ પાણી ભરાવાની સમસ્યા અને અથડાતા કૂટાતા નાગિરકો.

આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ન માત્ર જાહેર માર્ગો લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. બોડકદેવ જેવા પોશ વિસ્તારમાં સોસાયટીઓ જળમગ્ન બની છે. લોકોના પાર્કિંગમાં રહેલા વાહનો પણ ડૂબી ગયા છે. શહેરના તમામ પોશ વિસ્તારોની આ જ દશા છે. બોડકદેવ પાસે આવેલા મોકા સર્કલથી  પણ આજ પ્રકારે હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે.

બિલિયોનર સ્ટ્રીટમાં પાણી ભરાતા ફુટ્યો લોકોનો આક્રોશ

અમદાવાદમાં આંબલી રોડ પર આવેલા બિલિયોનર સ્ટ્રીટમાં પણ 4-4 ફુટ સુધી વરસાદી પાણી ભરાયા છે. હાઈફાઈ ગણાતા સેન્ટોસા પાર્કમાં 2થી 3 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. કરોડો રૂપિયાના ટેક્સ ભરવા છતા લોકોને એ પ્રકારની સુવિધા મળતી નથી. ન માત્ર ટુવ્હીલર પરંતુ લોકોની ગાડીઓ પણ વરસાદી પાણીમાં બંધ પડી રહી છે. લોકો પારાવાર હેરાનગતિ વેઠી રહ્યા છે.

આ તરફ બોડકદેવ વિસ્તારમાં આવેલા શુભમ સ્કાય્ઝ, વનશ્રી વિલા અને વ્રજ વિલા સોસાયટી પાસે ભારે વરસાદના કારણે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ હાઈ-પ્રોફાઈલ સોસાયટીઓ પાસે કરોડોના ખર્ચે બનેલા વ્હાઈટ ટોપિંગ રોડ પણ પાણીમાં ડૂબી ગયા છે. બોડકદેવ અને રાજપથ રંગોલી રોડ આસપાસ આવેલી વીઆઈપી સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાની ડ્રેનેજ લાઈન પાછળ ખર્ચવા છતા શહેરની આ સ્થિતિ છે. કરોડોના પ્રોજેક્ટ નિષ્ફળ જતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે.

સ્કૂલોમાં અટવાયા બાળકો

સવારથી વરસી રહેલા વરસાદને પગલે અનેક શાળાઓમાં બાળકો અટવાયા હતા. માર્ગો પર પાણી ભરાઈ જતા વાલીઓ પણ બાળકોને શાળાએ લેવા પહોંચી શક્યા ન હતા. આવા સમયે શહેર પોલીસ દ્વારા પણ મદદ પહોંચાડવામાં આવી.
આવી કફોડી સ્થતિમાં શહેર પોલીસે સરાહનિય અને માનવતાવાદી કામગીરી કરતી જોવા મળી હતી. એલ જે કોલેજ પાસે પાણી ભરાઈ જતા અટવાયેલા વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડ સુધી સુરક્ષિત પહોંચાડ્યા હતા. વસ્ત્રાપુરમાં સ્કૂલ વાન પાણીમાં ફસાઈ જતા પોલીસે બાળકોને સુરક્ષિત અન્ય વાહનમાં બેસાડી ઘરે પહોંચાડ્યા હતા.

આ તરફ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી શહેર ડીઈઓ દ્વારા સ્કૂલ કોલેજોને તેમની વિવેકબુદ્ધિ પ્રમાણે રજા આપવા સૂચના આપવામાં આવી છે.

Input Credit-  Mihir Soni, Narendra Rathod, Harin Matravadia

ગુજરાતના આ ગામમાં કૂવામાં બે રોટલા નાખીને નક્કી થાય છે કે કેવો પડશે વરસાદ, ગામલોકો 400 વર્ષથી નિભાવે છે આ અનોખી પરંપરા

Published On - 6:57 pm, Thu, 23 July 26

Follow Us