રાજ્યમાં શોભાયાત્રા જેવા ધાર્મિક પ્રસંગોમાં હિંસાની ઘટનાઓ પગલે ગુજરાત હાઈકોર્ટમાં સુરક્ષાની માગ કરતી અરજી કરવામાં આવી હતી. આ અરજી પર આજે સુનાવણી થશે. ધાર્મિક પ્રસંગોમાં હિંસાના બનાવ અંગે યોગ્ય કાર્યવાહી કરવા કોર્ટમાં અરજી કરાઇ હતી. આ અરજીમાં ધાર્મિક કે સામાજિક સરઘસોના કિસ્સામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર કાર્યક્રમમાં વીડિયોગ્રાફી થવી જોઇએ તેની માગણી કરવામાં આવી છે. મહત્વનુ છે કે, અગાઉ રામનવમી પર હિંસા ભડકી હતી તેવી ઘટના ફરી નહીં સર્જાય તે માટે તકેદારી રાખવા પણ જણાવ્યુ છે.
ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પોલીસ બેદરકારીથી કામ કરતી હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. વડાલી, છત્રાલ, હિંમતનગરમાં ઘર્ષણનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ ખંભાત, પેટલાદ, વડોદરા અને ઉનામાં થયેલા ઘર્ષણનો પણ ઉલ્લેખ થયો છે. પૂરતો બંદોબસ્ત ન હોવાથી રમખાણો થતા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. રાજ્યમાં સતત વધી રહેલા રમખાણને લઈને પણ અરજદારે સવાલ ઉઠાવ્યાં છે.
ગત સુનાવણીમાં અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસે ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ નિર્દોષ વ્યક્તિ નહીં દંડાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો કે સરઘસ અને મેળાવડામાં નિશ્ચિત સ્થળે વીડિયોગ્રાફી કરવા અંગે સરકારનું શું આયોજન છે? જેના જવાબમાં રાજ્ય સરકારે પ્રાથમિક બચાવ કરતા કહ્યું હતું કે, રાજ્યમાં હજારોની સંખ્યામાં મેળાવડા અને સરઘસ નીકળતા હોય ત્યારે તંત્ર તમામની વીડિયોગ્રાફી કઈ રીતે કરી શકશે?
આજે જ્યારે સુનાવણી છે ત્યારે મહત્વની વાત એ છે કે, 22 એપ્રિલે પરશુરામ જયંતી અને રમજાન ઈદ એક જ દિવસે આવી રહ્યા છે. ત્યારે કોઈ ઘટના નહીં સર્જાય તે માટે પોલીસનો બંદોબસ્ત ફાળવાય તેવું પણ જણાવાયું છે. જોકે પોલીસ દ્વારા આ રમજાન પહેલા ઠેર ઠેર બેઠકો યોજી ગ્રામ જનોને આ અંગે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.
આજે હાઇકોર્ટમા અરજી અંગે સુનાવણીમાં કેવા પગલાં લેવાય તે જોવું રહ્યું. મહત્વનુ છે કે, રાજ્યમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન વિવિધ શહેરોમાં નાના-મોટા ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઘર્ષણનો કેસ હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. જેમા અરજદારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…