Ahmedabad: હાટકેશ્વર બ્રિજના કૌભાંડીઓએ પોલીસ સમક્ષ કર્યુ આત્મસમર્પણ, ધરપકડથી બચવા સેશન્સથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી મારી ચુક્યા છે હવાતિયા
Ahmedabad: ચકચારભર્યા હાટકેશ્વર બ્રિજ કેસના કૌભાંડીઓએ આખરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ છે. બ્રિજના કૌભાંડીઓએ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી ધા નાખી હતી. જો કે સુપ્રીમ કોર્ટે પણ આગોતરા ન આપતા આખરે આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે.
Ahmedabad: શહેરના ચકચારભર્યા હાટકેશ્વર બ્રિજમાં કૌભાંડી અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર પિતા પુત્ર સહિત 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. શહેરમાં 40 કરોડના ખર્ચે તૈયાર થયેલા હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટિરીયલ વાપરી નર્યો ભ્રષ્ટાચાર આચર્યો હતો. બ્રિજ ખુલ્લો મુક્યાના થોડા મહિનાઓમાં જ બ્રિજમાં ગાબડા પડતા સમગ્ર વિવાદ સામે આવ્યો. બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરી કૌભાંડ આચરનારા આરોપીઓે ધરપકડથી બચવા આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જો કે ત્યાંથી તેમને આગોતરા ન મળતા સુપ્રીમ કોર્ટ સુધી ધા નાખી હતી, પરંતુ આગોતરા જામીન મંજૂર ન થતા આખરે આરોપીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ છે.
અજય ઈન્ફ્રા.ના રમેશ પટેલ સહિત 4 લોકોની ધરપકડ
બ્રિજ બનાવવાનું કામ જેમને સોંપાયુ હતુ કે અજય ઈન્ફ્રાના ચેરમેન રમેશ પટેલ અને તેમના પુત્રો કંપનીના ડાયરેકટર ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ તેમજ ભાગીદાર રસિક પટેલની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ મહાનગર પાલિકા એ 2014માં ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હાટકેશ્વરના છત્રપતિ શિવાજી બ્રિજનો કોન્ટ્રાકટ મળ્યો હતો.
જે વર્ષ 2015માં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ. બે વર્ષ બાદ 2017માં બ્રિજ તૈયાર થઈ જતા લોકો માટે ખુલ્લો મુકાયો હતો. જો કે બ્રિજમાં અવાર નવાર ગાબડાં પડવાનો સિલસિલો ચાલતો રહ્યો હતો. જેથી 2022માં બ્રિજ બંધ કરીને રિપેરિંગની પ્રક્રિયા શરૂ કરાઈ હતી અને બ્રિજના નમૂનાનું ટેસ્ટિંગ કરવા આવ્યું હતું. જેમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાનો રિપોર્ટ સામે આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
2017માં બ્રિજ ખુલ્લો મુકાયો, 13 જૂન 2022એ રિપેરિંગ માટે બંધ કરાયો
મહત્વનું છે કે 13 જૂન 2022ના રોજ બ્રિજને બંધ કરી અને રિપેરિંગ કરવા માટે 90 લાખ રૂપિયા અંદાજ પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદના સેમ્પલો લઈ બે ખાનગી લેબોરેટરીઓમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં M45ની જગ્યાએ M20 એટલે કે જે સિમેન્ટ રેતી કોંક્રિટ વગેરે વાપરવાનું હોય તે 30 ટકા ઓછું મટિરિયલ વાપરવામાં આવ્યું હતું. આટલી હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેથી ખોખરા પોલીસ સ્ટેશનમાં AMC દ્વારા અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. છેલ્લા 46 વર્ષથી સક્રિય અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ ગુજરાતમાં 100થી વધુ બ્રિજ બનાવ્યા છે. જેમાં અમદાવાદ અને સાબરકાંઠામાં સૌથી વધુ બ્રિજ બનાવ્યા હોવાનું ખુલ્યું છે. ફરિયાદ બાદ કંપનીના ડાયરેકટર ફરાર થઇ ગયા હતા. તેમને સેશન્સ કોર્ટ, હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. જેથી આરોપીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
ફરિયાદ દાખલ થયા બાદ 15 એપ્રિલથી ફરાર હતા આરોપીઓ
પોલીસે ચાર આરોપીની ધરપકડ કરીને તેમના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી. આ આરોપીએ અન્ય કોઈ કૌભાંડ આચર્યું છે કે નહીં..અને આ કૌભાંડ માં કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો