
અમદાવાદથી દ્વારકાધિશના દર્શને જવા માગતા યાત્રિકો માટે રેલવે મંત્રાલય દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમયપત્રક અને સંચાલનના દિવસોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. નવા શેડ્યૂલ મુજબ પશ્ચિમ અમદાવાદના મુસાફરોને તેનો સીધો લાભ મળશે, કારણ કે ટ્રેનને આંબલી રોડ સ્ટેશન પર નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નવા ફેરફારોથી દ્વારકાધીશના દર્શન માટે જતા ભાવિકો હવે એક દિવસમાં દર્શન કરીને પરત ફરી શકશે.
રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા નિર્ણય અનુસાર, ટ્રેન નંબર 22925 અને 22926 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ હવે અમદાવાદના કાલુપુર સ્ટેશનના બદલે સાબરમતી જંક્શનથી સંચાલિત થશે. એટલે કે ટ્રેનનું પ્રસ્થાન અને આગમન બંને હવે સાબરમતી જંક્શનથી જ થશે. પહેલા યાત્રિકોને કાલુપુર જવુ પડતુ હતુ, પરંતુ હવે કાલુપુર સ્ટેશને જવાની જરૂર નહીં રહે
નવી સમયસૂચિ મુજબ, સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ સવારે 6:15 વાગ્યે રવાના થશે અને બપોરે 1:20 વાગ્યે ઓખા પહોંચશે. પરત ફરતી ટ્રેન ઓખાથી સાંજે 4:45 વાગ્યે નીકળશે અને રાત્રે 11:15 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ ફેરફારનો સૌથી મોટો લાભ પશ્ચિમ અમદાવાદના રહેવાસીઓને મળશે. અત્યાર સુધી વંદે ભારત પકડવા માટે કાલુપુર જવું પડતું હતું, પરંતુ હવે ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર પણ રોકાશે. ઉપરાંત સાણંદ ખાતે પણ સ્ટોપેજ રાખવામાં આવ્યું છે.
બોપલ, ઘુમા, શીલજ, ઘાટલોડિયા અને સાણંદ વિસ્તારના મુસાફરો માટે આ નિર્ણય સમય અને મુસાફરીના ખર્ચ બંનેમાં રાહત લાવશે. હવે તેમને શહેરના મધ્યમાં આવેલા મુખ્ય સ્ટેશન સુધી જવાની જરૂર નહીં રહે.
રેલવે બોર્ડે ટ્રેનના ઓપરેશન દિવસોમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ બંને દિશાની સેવાઓ અલગ-અલગ દિવસોએ બંધ રહેતી હતી. હવે નવી વ્યવસ્થા મુજબ વંદે ભારત એક્સપ્રેસ માત્ર મંગળવારે જ બંધ રહેશે અને બાકીના છ દિવસ નિયમિત રીતે દોડશે.
આ બદલાવને કારણે મુસાફરોને વધુ વિકલ્પ મળશે અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં જવા માટે વધુ સુવિધા મળશે.
નવી સમયસૂચિનું સૌથી મોટું આકર્ષણ એ છે કે અમદાવાદના યાત્રિકો હવે સવારે નીકળીને એ જ દિવસે રાત્રે પરત ફરી શકશે. ઝડપી મુસાફરી અને સુધારેલા સમયને કારણે દ્વારકા સુધીનો પ્રવાસ વધુ સરળ બનશે. રેલવેના આ નિર્ણયને કારણે ધાર્મિક પ્રવાસ ઉપરાંત વ્યવસાયિક અને પર્યટન હેતુઓ માટે પણ મુસાફરોને ફાયદો થવાની શક્યતા છે.
જોકે ટ્રેનના નવા સમયપત્રક સાથે દ્વારકાધિશ મંદિરના દર્શનનો સમય મેળ ખાતો ન હોવાથી નવી મૂંઝવણ ઉભી થઈ છે. વંદે ભારત દ્વારકા સ્ટેશન પર અંદાજે બપોરે 12:30 વાગ્યે પહોંચશે, જ્યારે દ્વારકાધીશ મંદિર બપોરે 1 વાગ્યે દર્શન માટે બંધ થઈ જાય છે. બીજી તરફ દ્વારકા રેલવે સ્ટેશનથી મંદિરનું અંતર અંદાજે 2થી 3 કિલોમીટર છે. આવા સંજોગોમાં મુસાફરો માટે સ્ટેશનથી મંદિર સુધી પહોંચીને માત્ર અડધા કલાકમાં દર્શન નો લાભ લેવો શક્ય નથી. બીજી તરફ, મંદિર સાંજે 5 વાગ્યે ફરી ખુલતું હોય છે, પરંતુ તે સમયે પરત ફરતી વંદે ભારત ટ્રેન પણ દ્વારકા સ્ટેશન પરથી થોડી જ મિનિટોમાં ઉપડી જવાની હોય છે. તેથી ભક્તો પાસે દર્શન માટે પૂરતો સમય મળતો નથી.
Published On - 7:47 pm, Thu, 25 June 26