એકતરફ ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવાના મોટા મોટા દાવા કરાઈ રહ્યા છે. બીજી તરફ લોકોના સ્વાસ્થ્યને હાની પહોંચાડે તે રીતે ફેક્ટરી- કારખાનાઓ પ્રદૂષણ ઓકી રહ્યા છે. તેમ છતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઈ કાર્યવાહી કરતું નથી. માત્ર એક્શન અંડર પ્રોસેસના નામે બચાવ કરી રહ્યુ છે. ખુદ કેન્દ્રીય પર્યાવરણ વિભાગે એ વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતમાં 4606 એકમો એવા છે જે પર્યાવરણના નિયમોનો અમલ જ કરતા નથી.
કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ કે ગુજરાત સરકાર પ્રદૂષણ ઓક્તા એકમોનો ડામવામાં નિષ્ફળ રહી છે. લોકસભામાં પૂછાયેલ સવાલના જવાબમાં કેન્દ્રના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓની વિગત આપી હતી. જેમાં રાજ્યમાં 33,486 રજીસ્ટર્ડ ફેક્ટરી પૈકી 4605 ફેક્ટરી સરકારના પર્યાવરણના ધારાધોરણને અનુસરતી નથી. ગુજરાત રાજ્યમાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીના આંકડાઓમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે હોવાનું પાર્થિવરાજસિંહે જણાવ્યુ.
રાજ્યમાં હવા-પાણીમાં પ્રદૂષણની માત્રા દિવસે દિવસે વધી રહી છે. કરોડોનો ધૂમાડો કર્યા બાદ પણ સાબરમતી અને ભાદર સહિત ગુજરાતની અન્ય નદીઓના પાણી પણ અશુદ્ધ બન્યા છે. આ પરિસ્થિતિમાં GPCBની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ રાજ્યસભામાં છેલ્લા સત્રમાં આપેલી માહિતી મુજબ હાલ ગુજરાતમાં 33,486 ફેક્ટરી રજીસ્ટર્ડ થઈ છે જે પૈકી 4605 ફેક્ટરીએ તો પર્યાવરણના નિયમોને કોરાણે મુકીને ધમધમી રહી છે.
કોંગ્રેસનો આરોપ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ મસમોટા હપ્તા લઈને નિયમોનો ઉલાળિયો કરતા કારખાના ફેક્ટરી પ્રત્યે કુણુ વલણ રાખી રહ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ વિભાગે આપેલી માહિતી મુજબ ગુજરાતમાં 313 ફેક્ટરીઓને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી પણ આ પૈકી કેટલી ફેક્ટરીઓ બંધ થઈ તે મોટો સવાલ છે. આ ઉપરાંત 3323 ફેક્ટરીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી. આમ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે માત્ર નોટિસ આપીને દેખાડો કર્યો હોય તેવુ લાગી રહ્યુ છે. 965 ફેક્ટરી ઉપર તો શું પગલા લેવા તેનો હજુ સુધી નિર્ણય લેવાયો નથી. માત્ર ચાર ફેક્ટરી સામે એક્શન લઈ GPCB સંતોષ માની રહ્યુ છે. માત્ર એક્શન અંડર પ્રોસેસના નામે ખુદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ પ્રદૂષણ ઓક્તા એકમોનો બચાવ કરી રહ્યુ હોય તેવુ પ્રસ્થાપિત થઈ રહ્યુ છે.
આ પણ વાંચો : Sabarmati River : અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ, સાબરમતી નદીમાં વધુ એક વખત છોડાયું કેમિકલ યુક્ત પાણી
ગુજરાતમાં 33,486 રજીસ્ટર્ડ ફેક્ટરી છે. જેમા સરકારના પર્યાવરણના ધારાધોરણનુ અનુસરણ ન કરતી ફેક્ટરી 4605 છે. જે પૈકી GPCBએ 3323 ફેક્ટરીને શોકોઝ નોટિસ ફટકારી છે અને 313 ફેક્ટરીને કલોઝર આદેશ આપ્યો છે. જેમા કાયદેસર કાર્યવાહી 4 ફેક્ટરી સામે કરવામાં આવી છે. એક્શન અંડર પ્રોસેસના નામે ધમધોકાર પ્રદૂષણ ઓક્તી 965 ફેક્ટરી સામે કોઈ નિર્ણય જ કરાયો નથી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો