Ahmedabad: સિટી બસની સેવા લેનારી કોર્પોરેશને જ 2 વર્ષથી નથી ચુકવ્યુ ભાડુ, ખોટમાં ચાલતી AMTSનું કોર્પોરેશને કરોડોનું ભાડુ નથી ભર્યુ
AMTS ઘણા વર્ષોથી કરોડો રૂપિયાની ખોટમાં ચાલે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે AMTSને ખોટમાં ચલાવવામાં ખુદ કોર્પોરેશન પણ જવાબદાર છે.
અમદાવાદ (Ahmedabad)માં જ્યાં AMTS ખોટમાં ચાલી રહી છે તો બીજીબાજુ સિટી બસની સેવા લેનારી કોર્પોરેશને (Ahmedabad Corporation) જ બે વર્ષથી બસનું ભાડું (Bus Rent) ચુકવ્યું નથી. ATMSને 2019-20માં રૂપિયા 2 કરોડથી વધુંનું ભાડું ચુકવાયું નથી. જોકે આવું પહેલીવાર નથી થયું. ભાજપનો કાર્યક્રમ હોય કે પછી અમદાવાદ કોર્પોરેશનનો, AMTSની મફત સેવાનો લાભ હંમેશા લેવાતો રહ્યો છે.
કોર્પોરેશને 2.02 કરોડ રૂપિયા ચુકવ્યા નથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યાં એકતરફ પાયાની જરૂરિયાતો હજુ સુધી ઘણા વિસ્તારોમાં પહોંચાડી શકી નથી તો બીજીબાજુ AMTS પણ ઘણા વર્ષોથી કરોડો રૂપિયાની ખોટમાં ચાલે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે AMTSને ખોટમાં ચલાવવામાં ખુદ કોર્પોરેશન પણ જવાબદાર છે. વર્ષ 2019-20માં AMCના વિવિધ કાર્યક્રમમાં જે બસ મુકવામાં આવી તેના 2.02 કરોડ રૂપિયા કોર્પોરેશને ચુકવ્યા નથી.
સૌથી વધુ ફેબ્રુઆરી 2019માં મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બસ મુકવામાં આવી હતી. જેમાં રૂ.72.10 લાખ હજી સુધી AMTSને આપવામાં આવ્યા નથી. આ સાથે નમસ્તે ટ્રમ્પ રોડ શોમાં AMTSની 578 બસોના રૂ. 71.10 લાખ ચુકવવાના બાકી છે, સાથે સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં 418 બસોના રુ. 38.53 લાખ બાકી છે. યુસીડી વિભાગના વિવિધ પ્રોગ્રામમાં 330 બસોના રૂ. 24.51 લાખ પણ બાકી છે.
બિલ વિભાગમાં મોકલી દેવાય છે પણ ચુકવાતુ નથી
રાજ્ય સરકાર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ કાર્યક્રમ હોય તો ભીડ ભેગી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેટરોના વોર્ડમાંથી લોકોને લાવવા લઈ જવા માટે AMTSની બસોનો ઉપયોગ કરવામાં આવે છે. જેના માટે AMTS બસ દ્વારા નક્કી કરેલું ભાડું લેવામાં આવે છે. આ બિલ જેતે વિભાગમાં મોકલી દેવાય છે, પરંતુ બિલ ચુકવાતું નથી.
બીજીબાજુ ભાજપના સત્તાધીશોને પણ AMTS ખોટમાં જ ચાલે તેમાં રસ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. માત્ર 2019-20માં જ 2 કરોડ બાકી છે તો 2020-21માં પણ આનાથી વધુ રકમ ચુકવવાની બાકી હોય તેવી પુરી શકયતા જણાય છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે અગાઉના બાકી ભાડા AMTS દ્વારા ક્યારે વસૂલવામાં આવશે.
આ પણ વાંચો- ખાદ્યતેલના ભાવોમાં ભડકો, એક જ દિવસમાં સીંગતેલમાં 70 અને કપાસિયા તેલમાં 110 રૂપિયાનો ભાવ વધારો
આ પણ વાંચો- Ahmedabad: ઉનાળાની શરુઆતમાં જ શહેરમાં રોગચાળો ફાટ્યો, પાણી અને મચ્છરજન્ય રોગમાં વધારો