Ahmedabad: બેંકના ચેરમેન અને મેનેજર દ્વારા લોનના નામે વેપારીઓ સાથે આચરી ઠગાઈ, ગુના નિવારણ શાખાએ 3 આરોપીની કરી ધરપકડ
કલર મર્ચન્ટ કોપરેટીવ બેંકના ચેરમેન અને મેનેજર દ્વારા લોનના નામે વેપારીઓ સાથે ઠગાઈ કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ 3 આરોપીની કરી ધરપકડ, મોર્ગેજ લોનની ડીડમાં સુધારા કરવાના બહાને કરી હતી છેતરપિંડી. આ આરોપીઓના કારણે અગાઉ એક દંપતી સહિત 4 લોકોએ હાઇકોર્ટમાં ફિનાઇલ પીધું હતું.
કલર મર્ચન્ટ બેંકના અધિકારીઓ અને એજન્ટો દ્વારા લોન ના બહાને અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં (ECO) નોંધાઈ હતી. આ ઠગાઈ કરનાર આરોપી બેંક મેનેજર અતુલ શાહ જનરલ મેનેજર કિન્નર શાહ અને ચેરમેન વિમલ પરીખ છે. આ આરોપી દ્વારા અનેક લોકોને લોન આપવાના બહાને દસ્તાવેજ મેળવી લઈને ઠગાઈ કરતા હતા.
અમદાવાદના એક વેપારીને મોર્ગેજ લોનની ડીડમાં સુધારો કરવાના બહાને કલર મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંકના મેનેજર, જનરલ મેનેજર, ચેરમેન અને એજન્ટો દ્વારા ખોટા દસ્તાવેજો અને સહી સિક્કા કરીને વેપારીની જાણ બહાર રૂ 55 લાખની મોર્ગેજ લોન મંજૂર કરીને વેપારીના કરંટ ખાતામાં નાણાકીય વ્યવહાર કર્યો હતો આ કાવતરાને લઈને EOW માં ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી.
લોનના નામે ઠગાઈ કરતી આ ટોળકીના કારણે હાઇકોર્ટમાં જજની સામે એક દંપતીએ આપઘાતનું પ્રયાસ કર્યો હતો જેને લઇને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નવરંગપુરાના નીતિનભાઈ રાજગુરુ અને ચાંદલોડિયા ના હાર્દિક પટેલ દ્વારા બે ફરિયાદ અત્યાર સુધીમાં નોંધાઇ છે. જ્યારે વધુ એક વેપારીએ પણ આ છેતરપિંડી મામલે આર્થિક ગુના નિવારણ શાખાને રજૂઆત કરી છે.
છેલ્લા ઘણા સમયથી કલર મર્ચન્ટ બેંકના અધિકારીઓ દ્વારા આ પ્રકારે ઠગાઈનું નેટવર્ક ચાલી રહ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં EOWએ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરાવામાં આવી છે.
આ પણ વાંચો : બદનક્ષીના કેસમાં દિલ્લી CM કેજરીવાલ અને MP સંજયસિંહ સામે ગુજરાત હાઈકોર્ટમાં આજે થઈ શકે છે સુનાવણી
આર્થીક ગુના નિવારણ શાખા દ્વારા આ કૌભાંડને લઈને અલગ અલગ 6 ટીમો બનાવીને તપાસ શરૂ કરી. આરોપીઓના ઘર તથા ઓફિસમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ગુના સંબંધીત જરૂરી દસ્તાવેજો ઠરાવો અને અલગ અલગ પેઢીના સ્ટેમ્પ તેમજ આરોપીઓના અન્ય બેન્કોમાં રહેલા બેન્ક એકાઉન્ટ ની વિગત તથા શંકાસ્પદ ચેકો કબજે કરવામાં આવ્યા છે. EOW એ આ ઠગ ટોળકીનો ભોગ બનેલી વ્યક્તિને ફરિયાદ માટે સંપર્ક કરવાની પણ અપીલ કતી છે.