Ahmedabad: દારૂની હેરાફેરી સમયે જ ત્રાટકી પોલીસ, ફિલ્મી સ્ટાઇલમાં પોલીસે એક આરોપીને પકડ્યો, એક ફરાર થવામાં સફળ
અમરાઇવાડી પોલીસે (Police) ફિલ્મી ઢબે દારુની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી લીધો છે. બે આરોપી દારુની પેટીઓ ટુ વ્હીલરમાં મુકી રહ્યા હતા તે જ સમયે પોલીસે રેડ પાડી હતી.
અમદાવાદની (Ahmedabad) અમરાઇવાડી પોલીસે (Amraivadi Police) ફિલ્મી ઢબે દારુની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી લીધો છે. બે આરોપી દારુની (Alcohol) પેટીઓ ટુ વ્હીલરમાં મુકી રહ્યા હતા તે જ સમયે પોલીસે રેડ પાડી હતી. પોલીસ તે જ સમયે એક આરોપીને ઝડપી લીધો હતો. જો કે અન્ય એક આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. ત્યારે પોલીસે પકડાયેલા આરોપીની પુછપરછ શરુ કરી છે. જ્યારે અન્ય એક આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસે રેડ કરી
અમદાવાદમાં અમરાઈવાડી પોલીસ મથકનો સ્ટાફ તેના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન સ્વસ્તિક ચાર રસ્તા પાસે પોલીસને બાતમી મળી કે અમરાઈવાડી ભીલવાડા એસટી બસ સ્ટેન્ડની સામે બે લોકો વિદેશી દારૂ લઈને ઊભા છે અને તેમના એક્ટિવા પાસે વિદેશી દારૂની બોટલો પડી છે. પોલીસને આ વાતની જાણ થતાં પોલીસ આ બંને વ્યક્તિઓ ઉપર વોચ ગોઠવી હતી. જે દરમિયાન બે લોકો એકટિવા પાસે દીવાલને અડીને ખાખી કલરની પેટીઓ સાથે જોવા મળ્યા હતા.
એક આરોપીની ધરપકડ, એક ભાગવામાં સફળ
પોલીસને આરોપીઓ પેટીઓ ઉંચી કરી બંને એકટીવા ઉપર મૂકતા જોવા મળ્યા હતા. જે પછી પોલીસે ત્યાં રેડ કરી હતી. જોકે પોલીસને જોઇને બંને વ્યક્તિઓ ત્યાંથી દોડવા લાગ્યા હતા અને એક્ટિવા પણ ત્યાં જ મૂકી દીધું હતું. પોલીસને જોતાં જ બંને વ્યક્તિઓ “પોલીસ આવી” તેવી બૂમો પાડવા લાગ્યા હતા અને પોતાનું એકટીવા તેમજ દારૂનો મુદ્દામાલ ત્યાં જ મૂકી નાસી છૂટયા હતા. જોકે આ બંને લોકો પાછળ પોલીસ પણ દોડી હતી અને એક આરોપીને પકડી પાડયો હતો. જો કે બીજો વ્યક્તિ દુકાનના ધાબા પર ચડી પાછળના ભાગેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
એક્ટિવા સહિતનો રુ. 1.89 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે પકડાયેલા વ્યક્તિ તેમજ એક્ટિવા અને દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે પકડેલા આરોપીનું નામ સુનીલ ચૌહાણ છે. તે મજૂરી કામ કરે છે અને અમરાઈવાડી વિસ્તારમાં જ રહે છે. પોલીસે બે એક્ટિવા, મોબાઇલ તેમજ રોકડ રકમ કબજે કરી છે. પોલીસે આ વ્યક્તિ પાસેથી 15 પેટી વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો જપ્ત કરી કુલ 1,80,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલા આરોપીની પોલીસે વધુ પૂછપરછ કરતા સામે આવ્યું છે કે એક એક્ટિવા સુનીલ ચૌહાણનું પોતાનું છે, ત્યારે બીજું એકટીવા નાસી ગયેલા તેના મિત્ર સની નેપાળીનું છે. જેમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હતો. તે તેના અન્ય મિત્ર મયુર નાડીયાએ બહારથી મગાવેલો હતો. ત્યારે હવે પોલીસ નાસી ગયેલા સની નેપાળીની શોધખોળ હાથ ધરી છે તેમજ ઈંગ્લીશ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે અને કોને કોને આપવાનો હતો તે અંગેની પણ વધુ પૂછપરછ હાથ ધરી છે.