અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજથી પીપળજ તરફ જતા રોડ પર ડ્રેનેજની મેઈન્સ ટ્રંક લાઈનનુ ઢાંકણુ ખુલ્લુ હોવાથી એક બાળકી ગટરમાં ખાબકી હતી. આશરે 30 થી 35 ફુટ ઊંડી ડ્રેનેજમાં શનિવારે બપોરના 3.30 આસપાસ બાળકી ખાબકી હોવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો અને બાળકીની શોધખોળ હાથ ધરાઈ હતી પરંતુ 24 કલાક વિતવા જાય છે છતા ફાયર વિભાગ બાળકીનો પત્તો લગાવી શક્યુ નથી. 24 કલાકથી બાળકી ગટરમાં જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે અને તંત્ર એટલુ વામણુ સાબિત થઈ રહ્યુ છે કે હજુ સુધી બાળકીને શોધી શક્યુ નથી.
બાળકીના માતાપિતાના જણાવ્યા અનુસાર આશરે નવેક વર્ષની બાળકી ડ્રેનેજ ટ્રંકનું ઢાંકણુ ખુલ્લુ હોવાથી સીધી ગટરમાં ગરક થઈ ગઈ હતી. જે બાદ માતાએ તુરંત બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરાઈ હતી. હાલ હજુ સુધી બાળકી ન મળવાથી માતાના રોઈ-રોઈને બુરા હાલ થઈ ગયા છે, જ્યારથી બાળકી ગટરમાં પડી છે માતા આક્રંદ કરી રહ્યા છે. આજે tv9 સમક્ષ પણ માતાએ આજીજી કરતા કહ્યુ કે જીવતી કે મરેલી મને મારી બાળકી લાવી આપો, મારે બીજું કંઈ નથી જોઈતુ, જો મારી બાળકી નહીં મળે તો હું મારા પરિવાર સાથે આપઘાત કરી લઈશ.
એક માતા માટે પોતાના સંતાનથી વિશેષ કંઈ નથી હોતુ. ત્યારે માત્ર તંત્રની બેદરકારીને પાપે આ પરિવાર પર આજે આભ ફાટી પડ્યુ છે. જરા કલ્પના કરો એ માતા પર શું વિતતી હશે જેમણે પોતાની નજરની સામે પોતાની દીકરીને આમ ગટરમાં ગરક થતી જોઈ હશે અને પોતે તેના માટે કંઈ નથી શકતી. આ અફસોસ આ વસવસો દુનિયાના કોઈ શબ્દોમાં વ્યક્ત ન થઈ શકે.. એ પીડા એક માત્ર એ માતા જ સમજી શકે.
બાળકી ગટરમાં પડી ત્યારથી માતા વલોપાત કરી રહી છે. ફાયર બ્રિગેડ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યુ છે. ઘટના સ્થળથી 700 મીટર દૂર પણ શોધખોળ કરાઈ રહી છે. જો કે તંત્રના અધિકારીઓ એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે કેમિકલયુક્ત પાણી અને ખાસ્સો લાંબો સમય વિત્યા બાદ બાળકીના બચવાના ચાન્સિસ બહુ ઓછા છે. મુખ્ય ચેમ્બરથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સાબરમતી નદીમાં પાણી છોડવામમાં આવ્યુ છે. હાલ ટીમ દ્વારા ત્રણેય જગ્યાએ તપાસ હાથ ધરી છતા હજુ સુધી બાળકી મળી શકી નથી.
આ તરફ કોંગ્રેસ નેતા રાજેશ સોનીએ પણ મહાનગર પાલિકાના નઘરોળ તંત્ર પર ઘોર બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો. જોકેઅમદાવાદમાં આ પહેલા પણ બે લોકોના આ જ પ્રકારે ખુલ્લી ગટરના કારણે જીવ ગયા છે. છતા હજુ સુધી તંત્રની આંખ ખુલતી નથી. ત્યારે સવાલ એ છે કે હજુ કેટલા લોકોના ભોગ લીધા બાદ તંત્ર જાગશે. દર વખતે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે બીજા પર આરોપો ઢોળવાની જાણે તંત્રને આદત પડી ગઈ છે.
આ કિસ્સામાં પણ મ્યુનિ.ના અધિકારીએ જણાવ્યુ કે હાલમાં અહીં NHAI નું કામ ચાલી રહ્યુ છે અને તેમના દ્વારા આ ડ્રેનેજ ચેમ્બરના ઢાંકણા ઉંચા નીચા કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમના દ્વારા કોઈ ચેમ્બર ખુલ્લી રહી ગઈ હશે અને દુર્ઘટના સર્જાઈ હશે. બેશર્મી સાથે લુલો બચાવ કરતા તંત્રને શું ખ્યાલ નથી કે ડ્રેનેજની કામગીરી મ્યુનિ. ની હસ્તક આવે છે અને સલામતીની વ્યવસ્થા કરવાની જવાબદારી તેમની હોય છે અને કદાચ ક્યાંય આ પ્રકારની મોટી ક્ષતિ રહી ગઈ હોય તો તેનુ મોનિટરીંગ કરી તેને દુરસ્ત કરવાની જવાબદારી પણ મનપા તંત્રની છે. આજે તંત્રના આ લાપરવાહીભર્યા અભિગમને કારણે ગરીબ પરિવારની એક બાળકી જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. બીજી આ તરફ પોતાની વ્હાલસોયી દીકરીનો હજુ સુધી કોઈ પત્તો ન મળતા પરિજનો પર આભ ફાટ્યું છે. ગુમ થયેલી બાળકીની માતાએ વલોપાત કરતા જણાવ્યું છે કે તેઓની દીકરીને જીવીત કે મૃત હાલતમાં તંત્ર શોધી આપે.. જો આમ નહીં થાય તો તેઓ પોતાના પરિવાર સાથે આપઘાત કરી લેશે. ભોગ બનનારી બાળકીનું નામ મનિષા સલાટ છે અને પ્રજ્ઞાચક્ષુ હોવાની પ્રથમિક વિગતો પ્રાપ્ત થઈ છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad
Published On - 4:13 pm, Sun, 11 October 26