Ahmedabad: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના નિર્દેશ મુજબ દેશની દરેક યુનિવર્સિટી અને કોલેજોએ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) ની માન્યતા મેળવવી જરૂરી છે. જોકે લોકસભામાં રજૂ થયેલ આંકડાઓ મુજબ ગુજરાતની 55 યુનિવર્સિટીઓ અને 1767 કોલેજો પાસે NAAC ની માન્યતા નહીં હોવાનું સામે આવ્યું છે. જે તે કોલેજ કે યુનિવર્સિટીનું શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા પ્રકારનું છે, એ NAACના સ્કોર પરથી અંદાજ આવતો હોય છે.
ગુજરાતને ગ્લોબલ એજ્યુકેશન ડેસ્ટિનેશન બનાવવાના દાવા થઈ રહ્યા છે. વિદેશી યુનિવર્સિટીઓ ગુજરાતમાં આવી રહી છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મંજૂરીઓ અપાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ કયા પ્રકારની છે, તેનો ચિતાર રજૂ કરતા આંકડાઓ લોકસભામાં રજૂ થયા છે. જે મુજબ ગુજરાતની 66% યુનિવર્સિટીઓ અને 78% કોલેજો પાસે નેશનલ એસેસમેન્ટેશન એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલની માન્યતા ના હોવાનું સામે આવ્યું છે. રાજ્યની 83 પૈકી 55 યુનિવર્સિટીઓ અને 2267 પૈકી 1767 કોલેજોએ NAAC માન્યતા પ્રાપ્ત થયેલ ના હોવાનું લોકસભામાં એક સવાલના જવાબમાં રજૂ કરાયેલા આંકડાઓમાં સામે આવ્યું છે.
NAAC ના મૂલ્યાંકનમાં સાત જેટલા મુખ્ય સુચકોનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી અને કોલેજોમાં માળખાકીય સુવિધાઓ, અભ્યાસક્રમ, શિક્ષણ અને ભણતરનું મૂલ્યાંકન, રિસર્ચ અને ઇનોવેશન, વિદ્યાર્થીઓના સપોર્ટની વ્યવસ્થા, મેનેજમેન્ટ, સંસ્થાના મૂલ્યોના આધારે 1000 ગુણમાંથી મૂલ્યાંકન થાય છે. આ મૂલ્યાંકનમાં અભ્યાસક્રમની ડિઝાઈન, પૂરતા અને ગુણવત્તાવાળા અઘ્યાપકો, વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ, રિસર્ચને પ્રાધાન્ય, લાઇબ્રેરી અને વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે. આ મૂલ્યાંકન બાદ યુનિવર્સિટી અને કોલેજોને A, B, C અને D કેટેગરીમાં મૂકવામાં આવે છે.
લોકસભાના આંકડાઓને રજૂ કરતા કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા એ જણાવ્યું કે આ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ દર્શાવી રહયું છે. કેટલીક કોલેજો અને યુનિવર્સિટીની NAAC મૂલ્યાંકનની સાઇકલ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ મૂલ્યાંકન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા નથી.
ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પૂરતી માળખાકીય વ્યવસ્થાઓનો અભાવ, પૂરતા અને યોગ્ય અધ્યાપકોની ઘટ, કથળતું શિક્ષણ જેવા મુદ્દાઓથી હાટડીઓ બનેલી શૈક્ષણિક સંસ્થાઓને નિમ્ન કક્ષાનું મૂલ્યાંકન મળે તેનો ડર સતાવી રહ્યો છે કે શું? તે સવાલ ઊભો થાય છે. ગુજરાત સરકાર જો સાચા અર્થમાં શિક્ષણના સુધારની દિશામાં વિચારતા હોય તો તાત્કાલિક દરેક યુનિવર્સિટી અને કોલેજોએ NAACનું ફરિજયાત મૂલ્યાંકન કરાવું જોઈએ. જો શૈક્ષણિક સંસ્થાઓ મૂલ્યાંકન ના કરાવડાવે તો માન્યતા રદ્દ થાય ત્યાં સુધીની કાર્યવાહી કરવી જોઈએ.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:37 pm, Tue, 25 July 23