Monsoon 2022: વરસાદની રાહ જોતા અમદાવાદીઓની (Ahmedabad rain)પ્રતિક્ષાનો આખરે અંત આવ્યો હતો અને બપોર બાદ અમદાવાદમાં પૂરજોશમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં અમદાવાદમાં મોટા ભાગના વિસ્તાર પાણીથી જળબંબાકાર (waterlogging)બની ગયા હતા. ગણતરીના કલાકો વરસાદ આવ્યો અને અમદાવાદમાં ઠેર ઠેર રોડ બેસી પડવાની તેમજ કેડ સમાણા પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી. વરસાદની રાહ જોતા અમદાવાદીઓનું વરસાદ (Rain) ન આવવાનું મેણું ભાગતો હોય તેમ આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પૂર્વ વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ કરતા એવો વરસાદ ખાબક્યો હતો કે અમદાવાદના રસ્તા જાણે સ્વિમિંગ પુલ બની ગયા હતા.
અમદાવાદના મોટા ભાગના વિસ્તારો ગણતરીના કલાકોમાં જ જળબંબાકાર જોવા મળ્યા હતા. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અમદાવાદના ઉસ્માનપુરામાં સર્વાધિક 9 ઈંચ વરસાદ પડ્યો હતો. તો પૂર્વ વિસ્તારમાં પણ સરેરાશ 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઓઢવ અને વિરાટનગરમાં 4-4 ઈંચ અને બોડકદેવ વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે સરસપુર, વેજલપુર, મેમનગર, ઓઢવ, હાટકેશ્વર, વિરાટનગર સહિતના વિસ્તારોમાં માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગણતરીના કલાકોમાં ખાબકેલા વરસાદે કોર્પોરેશનના પ્રિ મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડાવ્યા હતા અને ઠેર ઠેર જમીન બેસી પડવી, રોડ રસ્તામાં ખાડા પડી જવા, ટ્રાફિક જામ થઈ જવો, વરસાદી પાણીનો નિકાલ ન થવો તેવી સમસ્યાઓ સર્જાઈ હતી.
આ અંગે વોટર એન્ડ ડ્રેન્જ કમિટીના ચેરમેન જતીન પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે અમદાવાદમાં ભૂતકાળમાં બે દિવસે વરસાદી પાણીનો નિકાલ થતો હતો પરંતુ હવે માત્ર 4 કલાકમાં જ પાણીનો નિકાલ થઈ જાય છે વરસાદની પેર્ટન બદલાઈ છે તેના પગલે અગાઉથી કેચપિટ અને ડ્રેનેજ લાઇનોની સફાઈ કરવામાં આવી હતી. જેથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય. તેમણે ચમનપુરા વિસ્તારના પાણી ભરાવ અંગે જણાવ્યું હતું કે ચમનપુરા વિસ્તાર રકાબી જેવો છે જ્યાં એક કલાકમાં એક ઇંચ વરસાદી પાણીનો નિકાલ થાય છે પરંતુ જો 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકે તો સમસ્યા સર્જાય છે.
છેલ્લા કેટલાય સમયથી વરસાદ માટે તરસી રહેલા અમદાવાદીઓએ વરસાદને મનભરીને માણ્યો હતો અને ભજિયા અને દાળવડાંની દુકાનો પર લાઇનો લાગી હતી. અમદાવાદીઓએ ચાલુ વરસાદમાં ગરમાગરમ મકાઈ અને દાળવડાં ખાવાની જ્યાફત માણી હતી તો બીજી તરફ ટ્રાફિક અને વરસાદી પાણી ભરાવાને લીધે લોકો પહેલા જ વરસાદમાં તોબા પોકારી ઉઠ્યા હતા.
અમદાવાદના પૂર્વ વિસ્તારની શાળા નંબર 1માં પાણી ભરાતા નાના બાળકો ફસાઈ ગયા હતા. જેના કારણે વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. અને વાલીઓ ધોધમાર વરસાદમાં જ શાળાએ પહોંચી ગયા હતા.
CTM, મેઘાણીનગર, ઈસનપુર, વેજલપુર, પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં કેડસમાણાં પણી ભરાઈ ગયાં હતાં. અમદાવાદમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુશળધાર વરસાદના પગલે શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. તો સીજી રોડ ઉપર આવેલા દેવપથ બિલ્ડિંગમાં ભોંયતળિયાની જમીન બેસી પડતા ગાડી ફસાઈ ગઈ હતી.
અમદાવાદમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી હતી અને જ્યાં જુઓ ત્યાં પાણી જ હિલોળા લેતું હતું છે. રસ્તાઓ જાણે સ્વિમિંગ પુલ બની ગયા છે. તો ભારે વરસાદને કારણે મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે તેમાંથી વાહનો પસાર થાય તેવી શક્યતા નથી. જેના પગલે મીઠાકળી અંડરપાસ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે.તો શાહીબાગ અંડર બ્રિજ વરસાદને પગલે બંધ કરવામાં આવ્યો હતો. તો પાણી ભરાવાને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામ થઓ હતો તૂટેલા રસ્તા અને ખાડાને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં પ્રિ મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો હતો અને એક દિવસમાં પડેલા વરસાદને પગલે જમીન બેસી પડવાની , ટ્રાફિક જામની તેમજ ખાડામાં વાહનો બેસી પડવાની ઘટનાઓ સામે આવી હતી.
શહેરના ઉસ્માનપુરામાં અડધા દિવસમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો અને તેના પરિણામે આ વિસ્તારમાં રસ્તા પર તેમજ લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અને એએમસીનો પ્રિ- મોન્સૂન પ્લાન સાવ નિષ્ફળ ગયો છે અને ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિમાં વિપક્ષે વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષે મેયર અને કમિશ્નરના માસ્ક પહેરીને વિરોધ પક્ષે વરસાદી પાણીમાં ઉભા રહીને વિરોધ કર્યો હતો. તો વરસાદી પાણીને કારણે વાસણા બેરેજની સપાટી 40.62 મીટરે પહોંચી હતી અને વાસણા બેરેજનો એક દરવાજો એક ફૂટ જેટલો ખોલવામાં આવ્યો હતો.
Published On - 5:47 pm, Fri, 8 July 22