Ahmedabad: રોજના 3 રુપિયા હપ્તો ઉઘરાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે ACB એ ગુનો નોંધ્યો, છટકુ નિષ્ફળ ગયાના અઢી વર્ષે ‘ગાળીયો’ ભીંસાયો
રોજના ત્રણ રૂપિયા લેખે વાર્ષિક રૂપિયા 1000 માંગ્યા હતા જેમાં પણ સો રૂપિયા બાદ કરી 900 રૂપિયામાં નક્કી થયું હતું. જોકે પકોડીની લારી ચલાવતા વ્યક્તિએ આપવાને બદલે ACB નો સંપર્ક કર્યો હતો. પરંતુ લાંચ આપતા સમયે છટકું નિષ્ફળ રહ્યું હતું.

સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને વહીવટ સિવાય કામ નહીં થતા હોવાના લોકોની ફરીયાદો રહી છે. લોકોને અનેક અનુભવો પણ આવા થતા આવ્યા છે, તો લાંચ કે હપ્તો માંગવાના અનેક કિસ્સાઓ પોલીસ કર્મચારીઓ તરફથી સામે આવ્યા છે. આવો જ એક વધુ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. રોજના ત્રણ રૂપિયા લેખે હપ્તો ઉઘરાવનારા પોલીસ કોન્સ્ટેબલ સામે એસીબીએ ગુનો દાખલ કર્યો છે. જોકે આ માટે પહેલા તો અઢી વર્ષ અગાઉ છટકુ ગોઠવ્યુ હતુ. પરંતુ હવે વૈજ્ઞાનિક પૂરાવાઓ આધારે લાંચનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ કોન્સ્ટેબલે પોલીસ વાન લઈને પકોડીની લારી ચલાવતા ફેરિયા પાસેથી હપ્તાની રકમ વર્ષ 2021 ની શરુઆતમાં માંગી હતી. આ માટે છટકાનુ આયોજન એસીબીની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ. પંરતુ આરોપી પોલીસ કર્મી સામેનુ છટકુ નિષ્ફળ નિવડ્યુ હોવાનુ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મીને પણ હાશકારો રહ્યા બાદ હવે એસીબીએ અઢી વર્ષે તેની ઉંઘ ઉડાવી દીધી છે. એસીબીએ ગુનો દાખલ કરી ધરપકડ માટેની કાર્યવાહી શરુ કરી છે.
દૈનિક 3 રુપિયા લેખે હપ્તો માંગ્યો
વાત છે વર્ષ 2021ની. અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં પકોડીની લારી રાખી વેપાર કરતા એક વ્યક્તિને ત્યાં સાબરમતી પોલીસ સ્ટેશનના તત્કાલીન હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા પોલીસ વાન સાથે આવી અને લારી રાખવાનો હપ્તો માંગ્યો હતો. દરરોજના રૂપિયા ત્રણ લેખે એક વર્ષના અંદાજિત 1000 રૂપિયાની આસપાસ થતા હતા પરંતુ 900 રૂપિયાનાં હપ્તાની માંગણી કરી હતી. જોકે પકોડીની લારી ચલાવતા વ્યક્તિએ લાંચ આપવી ન હતી જેને કારણે તેણે એસીબી નો સંપર્ક કર્યો હતો.
એસીબીએ લાંચ માટેનું છટકું ગોઠવ્યું હતું પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તે નિષ્ફળ ગયું હતું. જે બાદ આ પકોડીની લારી ચલાવતા વ્યક્તિએ સમગ્ર મામલે ફરિયાદ કરેલી આધારે એસીબીએ જરુરી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન વૈજ્ઞાનિક તથા જરૂરી રેકર્ડ પુરાવાઓને આધારે લાંચની માંગણી કરી હોવાનું સાબિત થઈ હતી. જેને લઈ આખરે અઢી વર્ષના સમયગાળા બાદ સાબરમતી પોલીસ મથકના તત્કાલીન હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.