
આજે ફરી એક વખત હજારો હરિભક્તોને થશે પ્રમુખ સ્વામી મહારાજની હયાતીનો અહેસાસ BAPS દ્વારા સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય તેમજ અનન્ય ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામીના પ્રમુખવરણીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજીત આ કાર્યક્રમમાં BAPSના આધ્યાત્મિક વડા મહંત સ્વામી, ગૃહપ્રધાન અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, 300 સાધુ-સંતો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 50 હજાર જેટલા આમંત્રિતો ઉપસ્થિત રહી ભવ્ય કાર્યક્રમ નિહાળશે. આમંત્રિતો સિવાય દેશ-વિદેશના લાખો ભક્તો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે.
આ ભવ્ય સમારોહનું મુખ્ય આકર્ષણ છે સાબરમતી નદીમાં કાર્યક્રમ માટે ખાસ તૈયાર કરેલી 75 હોડીઓ અને તેના પર પ્રદર્શિત થનારા 75 સૂત્રો કે જેના થકી પ્રમુખ સ્વામી મહારાજનાં માનવસેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ રીતે દર્શાવવામાં આવશે. આ સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પ્રમુખ સ્વામીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે. સાબરમતી નદીમાં સરદારબ્રિજથી એલિસબ્રિજની વચ્ચે 75 જેટલી ડેકોરેટિવ ગ્લો લાઈટિંગ સાથેની ફ્લોટિંગ હોડી રાખવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતા અનેક અલંકૃત ફ્લોટ્સ તરતા મુકાશે.
સાંજે યોજાનારા કાર્યક્રમને લઈને અમદાવાદના વિવિધ વિસ્તારમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા AMTS બસો મૂકવામાં આવી છે. દરેક વિસ્તારમાં જે લોકોને આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યાં છે તેમને કાર્યક્રમ સ્થળ સુધી લાવવા માટે 500થી વધુ બસો મૂકવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ચારથી વધુ જગ્યાએ પાર્કિંગ રાખવામાં આવેલાં છે, વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો રહેશે. છેલ્લા બે મહિનાથી આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટે કુલ 20 જેટલા સેવા વિભાગો અને 5000 જેટલા સ્વયંસેવકો રહેશે.
પ્રમુખ સ્વામી મહારાજને BAPS સંસ્થાના પ્રમુખ તરીકે 75 વર્ષ પૂર્ણ થયાં છે. BAPSના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વિક્રમ સંવત 2006, 21 મે, 1950ના જેઠ સુદ ચોથના દિવસે પ્રમુખ સ્વામી મહારાજની અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી આંબલીવાળી પોળમાં પ્રમુખ તરીકે વરણી કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજે પ્રચંડ પુરુષાર્થ દ્વારા સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની મહાન પરંપરાઓને વિસ્તારીને તેમને વિરાટ સ્વરૂપ આપ્યું છે. પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત આ ભવ્ય અને દિવ્ય જીવનકાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.