Ahmedabad: રાશનકાર્ડમાંથી (ration cards) અવાર નવાર ભૂતિયા નામો (Ghost Name) મળવાના અહેવાલ સામે આવે છે. વર્ષોથી ચાલતી આ ગેરરીતિ પર લગામ કસવામાં તંત્ર પૂરી રીતે સફળ થયું નથી. ત્યારે સસ્તા અનાજ વિતરણમાં ગેરરીતિઓ અટકાવવા અને રાશનકાર્ડમાંથી ભૂતિયા નામો દૂર કરવા પુરવઠા વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. પુરવઠા વિભાગના નિર્ણય પ્રમાણે અમદાવાદ શહેરના તમામ દુકાનદારોને બોલાવી પુરવઠા વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
સૂચનામાં પુરવઠા વિભાગે કહ્યું છે કે “જાન્યુઆરી સુધીમાં રાશનકાર્ડમાં પરિવારના તમામ સભ્યોના આધાર નંબર લિંક કરવામાં આવે”. પુરવઠા વિભાગના ધ્યાને આવ્યું હતું કે, મોટાભાગના રેશનકાર્ડમાં કેટલાક સભ્યોના આધારકાર્ડ લિંક થયેલા નથી. તેઓ એક નહીં, પણ અનેક જગ્યાએથી લાભ મેળવી રહ્યા છે. ત્યારે રાશનકાર્ડમાંથી ભૂતિયા નામો દૂર કરવા પુરવઠા વિભાગે આ નિર્ણય કર્યો છે.
પુરવઠા વિભાગના આ નિર્ણયને કારણે સાચા લાભાર્થીઓને લાભ મળશે. હાલ રાશનકાર્ડ સાથે આધાર લિંક કરવાની કામગીરી શરૂ પણ કરી દેવાઇ છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં એક લાખથી વધારે સભ્યો એવા છે કે જેમના નામ રાશનકાર્ડમાં છે, પરંતુ આધાર લિંક નથી થયેલું.