આ અમદાવાદી પ્રોફેસર માટે વર્ગખંડ ચાર દીવાલો પૂરતા સીમિત નથી, કાશ્મીરનાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે કોડિંગના કલાસ શિખવાડે છે

આ અમદાવાદી પ્રોફેસર માટે વર્ગખંડ ચાર દીવાલો પૂરતા સીમિત નથી, કાશ્મીરનાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે કોડિંગના કલાસ શિખવાડે છે

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. એક માત્ર શિક્ષક જ એ વ્યક્તિ છે, જે સામા વ્યક્તિની જિંદગી બદલવાની તાકાત રાખે છે. અમદાવાદના એક શિક્ષકે આ બાબતને પોતાના જીવનમાં અને કાર્યમાં સંપૂર્ણ ઉતારી છે. અને આજે અમદાવાદનો આ શિક્ષક જમ્મુ કાશ્મીરમાં જઈને વિદ્યાર્થીઓને નિઃસ્વાર્થ ભાવે જ્ઞાન પીરસી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવવા સરકાર પ્રયત્નશીલ તો […]

Parul Mahadik

| Edited By: Pinak Shukla

Oct 29, 2020 | 12:41 PM

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. એક માત્ર શિક્ષક જ એ વ્યક્તિ છે, જે સામા વ્યક્તિની જિંદગી બદલવાની તાકાત રાખે છે. અમદાવાદના એક શિક્ષકે આ બાબતને પોતાના જીવનમાં અને કાર્યમાં સંપૂર્ણ ઉતારી છે. અને આજે અમદાવાદનો આ શિક્ષક જમ્મુ કાશ્મીરમાં જઈને વિદ્યાર્થીઓને નિઃસ્વાર્થ ભાવે જ્ઞાન પીરસી રહ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવવા સરકાર પ્રયત્નશીલ તો છે જ. કલમ 370 બાદ હવે જમ્મુ કાશ્મીરમાં જમીન મકાન ખરીદવા માટે તમામ રસ્તા પણ ખુલી ગયા છે. ત્યારે આ પહેલાથી જ અમદાવાદના એક શિક્ષકે અહીં રહેતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારવા પ્રયત્નો શરૂ કરી દીધા હતા.

મૂળ અમદાવાદમાં રહેતા અને કોમ્યુટર પ્રોગ્રામિંગ એક્સપર્ટ પ્રોફેસર ડો.શ્યામ ચાવડા છેલ્લા બે વર્ષથી કાશ્મીરની નિયમિત મુલાકાત લે છે. અને લોકડાઉનના આ સમયમાં જ્યારે કાશ્મીરમાં કોરોનાના કેસો ઓછા છે તેવા સમયે તેમણે કાશ્મીરના વિદ્યાર્થીઓને તદ્દન મફતમાં કોડિંગ શીખવાડવાનું શરૂ કર્યું છે.

ગુજરાતમાં કોરોનાના કહેરને જોતા હજી શાળા કોલેજો કે અન્ય શૈક્ષણિક સંસ્થા શરૂ થઈ શકી નથી. તેવામાં આ અમદાવાદી પ્રોફેસર શ્યામ ચાવડાએ વિચાર કર્યો કે શા માટે કાશ્મીર જઈને ત્યાંથી ઓનલાઈન વર્ગો અટેન્ડ કરીને અહીંના અને કાશ્મીરના બંને રાજ્યોના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે. અને આ માટે તેઓ છેલ્લા 3 મહિનાથી કાશ્મીરના વિદ્યાર્થીઓને રૂબરૂ કોડિંગ ભણાવી રહ્યા છે.

ડો.શ્યામ માટે શિક્ષકની વ્યાખ્યા થોડી અલગ છે. તે એવું દ્રઢપણે માને છે કે બીજી બધી નોકરીઓ કરતા એકમાત્ર શિક્ષક જ એ શક્તિ રાખે છે, જે સામા વ્યક્તિના જીવનમાં બદલાવ લાવવાની ક્ષમતા ધરાવે છે. પ્રલય અને નિર્માણ બંને શિક્ષકના હાથમાં છે, અને આ માટે તેમનામાં રહેલો શિક્ષક જીવ તેમને કાશ્મીર લઈ ગયો. ત્યાં જઈને તેઓ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અને ઓનલાઈન કોડિંગ શીખવાડે છે. અહીંના વિદ્યાર્થીઓ સાથે તેમનો એટલો ઘરોબો થઈ ગયો છે કે આ વિદ્યાર્થીઓ અને અહીંના સ્થાનિકો પણ તેમને પરિવારના સભ્યની જેમ જ મળે છે.

શ્રીનગર નજીક પુલવામા પાસે આવેલ સલાદ ગામમાં ચાર માળની અલ મદીના નામની ઇન્ટરનેશનલ સ્કૂલમાં તેઓ અભ્યાસ કરાવે છે. પરિવાર સાથે હાલ તેઓ ત્યાં જ રહી રહ્યા છે. વોર ચાઈલ્ડ કેર નામની સંસ્થા કે જે વિશ્વના યુદ્ધ અને આતંક પીડિત બાળકોના ડેટા બેઝ રેકોર્ડ બનાવી તેમને શિક્ષણ આપવા કાર્યરત એપ બનાવવા માંગે છે. ડો.શ્યામ ચાવડા યુનિસેફના આમંત્રણ બાદ બાળકોને અભ્યાસ આપવા અફઘાનિસ્તાન પણ જઇ આવ્યા છે.

આજે કાશ્મીર માટે આ અમદાવાદી શિક્ષક દેશ અને દુનિયાની માનસિકતા બદલવા માટે પણ તતપર છે. અને તેના માટે જ તેઓએ કાશ્મીરના બાળકોનો સહારો પણ લીધો છે. કાશ્મીરની ખૂબસૂરતી અને અહીંના લોકોની જીંદાદિલી તેઓ સતત સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરતા રહે છે. એક શિક્ષક માટે અભ્યાસ માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત નથી એ આ અમદાવાદી શિક્ષકે સાર્થક કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati