ભૂપેન્દ્ર પટેલ સરકારના 5-6 પ્રધાન પડતા મુકાશે, સપ્ટેમ્બરમાં મંત્રીમંડળનું વિસ્તરણ

ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે એક પછી એક ઘટના આકાર પામી રહી છે તે જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે, આગામી સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તણ થશે. વર્તમાન મંત્રીમંડળમાંથી 5-6 પ્રધાનોને પડતા મૂકાશે.

ભૂપેન્દ્ર પટેલ સરકારના 5-6 પ્રધાન પડતા મુકાશે, સપ્ટેમ્બરમાં મંત્રીમંડળનું વિસ્તરણ
| Edited By: | Updated on: Aug 26, 2025 | 1:47 PM

ગુજરાતની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે સાંજે પાંચ વાગે કેબિનેટ બેઠક યોજાશે. કેબિનેટ બેઠક યોજવા અંગે સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે. કેબિનેટની બેઠકના આયોજન માટે તંત્રે તૈયારીઓ આદરી છે. સામાન્ય રીતે દર સપ્તાહના બુધવારે કેબિનેટની બેઠક યોજાતી હોય છે. આ સપ્તાહમા બુધવારે ગણેશ ચતુર્થીને લઈને જાહેર રજા હોવાને કારણે આજે મંગળવારે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સચિવાલયના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

સચિવાલય અને સવર્ણ સંકુલમાં ચર્ચાતી વાતો અનુસાર, આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની, મંત્રી મંડળના વિસ્તરણ પહેલાની છેલ્લી કેબિનેટ બેઠક હોઈ શકે છે. વર્તમાન મંત્રીમંડળમાંથી 5 કે 6 પ્રધાનોને પડતા મુકાઈ શકે છે. ભૂપેન્દ્ર પટેલ સરકારનુ વિસ્તરણ આગામી સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગઈકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે ગાંધીનગર ભાટ ખાતે કમલમ ખાતે, ગુજરાત ભાજપની મહત્વની બેઠક પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં સી આર પાટીલે એવો ઈશારો પણ કર્યો હતો કે, ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. સાથોસાથ પ્રદેશ પ્રમુખની ચૂંટણી પણ હાથ ધરાશે. સી આર પાટીલના આ સંકેતથી સ્પષ્ટ થયું કે, ગુજરાતના રાજકારણમાં ટુંક સમયમાં નવા જૂની નકકી છે.

આ પહેલા તાજેતરમાં જ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ એકાએક રાતના સમયે ગુજરાતમાં આગમન કર્યું હતું. ભૂપેન્દ્ર યાદવે આગમન બાદ, ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓને રાતે જ મુલાકાત કરી હતી. આ મુલાકાતની ભાજપના નેતાઓથી માંડીને કાર્યકર્તાઓમાં ખૂબ ચર્ચા થવા પામી હતી.

 

આ પણ વાંચોઃ ગુજરાત ભાજપમાં ચર્ચાતો સવાલ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અચાનક આવીને રાત્રે કેમ વરિષ્ઠ નેતાઓને મળ્યાં ? રાજકીય નવાજૂની થશે ?


ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો