તેલુગુ ફિલ્મ સ્ટાર એક્ટર અલ્લુ અર્જુનની હૈદરાબાદમાં ચીકટપલ્લી પોલીસે ધરપકડ કરી છે. અલ્લુ અર્જુનની પોલીસે, એક મહિલાના મોતના આરોપમાં ધરપકડ કરી છે. અલ્લુ અર્જુનની ધરપકડથી બે તેલુગુ રાજ્યો આંધ્રપ્રદેશ અને તેલંગાણા સ્થિત અલ્લુ અર્જુનના ચાહકો ચોકી ઉઠ્યા છે. ફિલ્મના દિગ્ગજ એવા અલ્લુ અર્જુન સાથે અચાનક બનેલા બનાવથી અલ્લુ અર્જુનના ચાહકો હતપ્રભ થયા છે.
અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પા 2’ 05 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આગલા દિવસે એટલે કે 04 ડિસેમ્બરે તેલંગાણા, આંધ્ર સહિત ઘણા રાજ્યોમાં વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં એક વિશેષ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અલ્લુ અર્જુન આ શોમાં આવ્યો હતો. આ સમયે અલ્લુ અર્જુનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એક સાથે આવી પહોંચ્યા હતા. નાસભાગમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું. તેમનો પુત્ર શ્રીતેજા ગંભીર રીતે ઘાયલ થયો હતો.
સ્વર્ગસ્થ રેવતીના પતિ ભાસ્કરે 05 ડિસેમ્બરે સંધ્યા થિયેટરના માલિક અને સ્ટાફ અને અલ્લુ અર્જુન અને તેના સુરક્ષા ગાર્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સંધ્યા સિનેમાના માલિક અને મેનેજરની ધરપકડ કરી લીધી હતી. અલ્લુ અર્જુનના બે અંગરક્ષકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનને પણ આ મામલે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ આજે સવારે અચાનક અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી હતી.
એવું કહેવાય છે કે અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે પોલીસને જાણ કર્યા વિના સંધ્યા સિનેમા ગયો હતો. ઉપરાંત, તે દિવસે તેની સાથે લગભગ 20 બાઉન્સર હતા, અને તેઓએ અતિશય ગેરવર્તન કર્યું હોવાનું કહેવાય છે. લોકોને ધક્કો મારવાને કારણે નાસભાગ મચી ગઈ હતી, જેમાં મહિલા રેવતીનું મોત થયું હતું.
કેસના સંબંધમાં, તમામ આરોપીઓ વિરુદ્ધ કલમ BNS 118, BNS 105 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અલ્લુ અર્જુનને બીજો આરોપી બનાવવામાં આવ્યો છે. અલ્લુ અર્જુને તેની સામે નોંધાયેલ કેસને રદ કરવા માટે તેલંગાણા હાઈકોર્ટમાં અરજી કરી છે. પરંતુ હજુ સુધી ત્યાં અરજીની સુનાવણી થઈ નથી.
મહિલા રેવતીના મૃત્યુ બાદ વીડિયો જાહેર કરનાર અલ્લુ અર્જુને કહ્યું હતું કે તે રેવતીના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. આ ઉપરાંત, અલ્લુ અર્જુને એવો પણ દાવો કર્યો હતો કે તે તેના પુત્રનો તમામ તબીબી બોજ ઉઠાવશે, જેને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તે તેના પરિવારની કરોડરજ્જુ બનશે.
હવે અલ્લુ અર્જુનની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે, જ્યાં પ્રાથમિક પૂછપરછ કરવામાં આવશે. અલ્લુ અર્જુનનેપોલીસ સ્ટેશનેથી જામીન પર મુક્ત કરવામાં આવશે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે તે થોડાક કલાકોમાં જાણી શકાશે.
Published On - 2:06 pm, Fri, 13 December 24