મહાત્મા ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડ્સે આજકાલ ઘણા ચર્ચામાં છે. જેનુ કારણ છે રાજકુમાર સંતોષીની (Rajkumar Santoshi) અપકમિંગ ફિલ્મ ‘ગાંધી ગોડ્સે એક યુદ્ધ’ (Gandhi Godse – Ek Yudh) આ ફિલ્મ 26મી જાન્યુઆરીએ રિલિઝ થવાની છે. જો કે આ ફિલ્મમાં નાથુરામ ગોડ્સેની ફાંસી વિશે કંઈ બતાવવામાં આવ્યુ નથી. ગોડ્સેને ફાંસી આપવાનો સીન પણ ફિલ્મમાં જોવા મળશે નહીં. Tv9Networkને આપેલા ઈન્ટરવ્યુમાં રાજકુમાર સંતોષીના જણાવ્યા મુજબ ફિલ્મમાં ગોડ્સેની ફાંસીને લગતો કોઈ સીન લેવાયો નથી. ફિલ્મમાં ગોડ્સેનું મૃત્યુ બતાવવામાં આવ્યુ નથી. જો કે ફાંસી આપ્યા બાદ ગોડ્સેનું તુરંત મૃત્યુ થયુ હતુ કે કેમ તે વિશે તમે અહીં જાણી શકશો.
માત્ર કટ્ટરવાદી વિચારોના આધારે ગાંધીજીની ગોળી મારીને હત્યા કરનાર નાથુુરામ ગોડ્સે અને નારાયણ આપ્ટેને હરિયાણાની અંબાલાની જેલમાં ફાંસી આપવામાં આવી હતી. જેલની નોંધ અનુસાર ફાંસી આપ્યા બાદ નારાયણ આપ્ટેનું ગળાનું હાડકુ તૂટી ગયુ હતુ. એટલે તુરંત જ મૃત્યુ પામ્યો હતો જ્યારે નથ્થુરામ ગોડ્સે ફાંસીએ લટક્યા બાદ 15 મિનિટ સુધી તરફડતો રહ્યો અને પછી મૃત્યુ પામ્યો હતો. જો કે ગોડ્સેના મૃત્યુનો સીન અપકમિંગ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો નથી.
ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર સંતોષીના જણાવ્યા મુજબ શુટિંગ દરમિયાન ફિલ્મના બંને મુખ્ય કિરદારોને એકબીજા સાથે વાત કરવાની પરવાનગી ન હતી. જેની પાછળનું કારણ એવુ છે કે બંને કેરેક્ટરનું એકબીજા પ્રત્યે ખુન્નસ જળવાઈ રહે અને તો જ એકબીજાના કેરેક્ટરને ન્યાય આપી શકે. આ કારણે જ પુરી શુટિંગ દરમિયાન બંને મુખ્ય કિરદારોએ એકબીજા સાથે વાતચીત કરી ન હતી.
નાથુરામ ગોડ્સેએ 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા કરી હતી. એ સમયે ગાંધીજીને ગોળી મારનાર નાથુરામ ગોડ્સેને માત્ર બે જ મિનિટમાં પકડી લેવામાં આવ્યો હતો. ગાંધીજીની હત્યામાં કુલ 8 આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમા નાથુરામ ગોડ્સે સહિત તેમનો ભાઈ ગોપાલ ગોડ્સે, નારાયણ આપ્ટે, વિષ્ણુ કરકરે, મદનલાલ પાટવા, શંકર કિસતૈયા, દત્તાત્રેય પરચુરે અને વીર સાવરકરની ધરપકડ કરાઈ હતી. જેમા વીર સાવરકરને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 8 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જેમા નાથુરામ ગોડ્સે અને નારાયણ આપ્ટેને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. જ્યારે અન્ય 6 લોકોને આજીવન કારાવાસની સજા ફટકારાઈ હતી.