મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા આવી જ એક સ્ટાર કિડ છે. જેણે પોતાના માટે એક અલગ રસ્તો પસંદ કર્યો છે. ફિલ્મી દુનિયામાં કરિયર બનાવવાને બદલે નવ્યાએ પોતાના માટે અલગ કરિયર પસંદ કર્યું. તે તેના પિતાની જેમ પ્રખ્યાત બિઝનેસમેન બનવા માંગે છે.
હવે નવ્યાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેનું મોટું સપનું પૂરું થયું. નવ્યાએ દેશની પ્રખ્યાત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં એડમિશન લેવાનું સપનું હંમેશાથી જોયું હતું, જે હવે તેણે પૂરું કર્યું છે. ચાલો જાણીએ કે તે IIMમાંથી કયો કોર્સ કરવા જઈ રહી છે.
નવ્યા નવેલી નંદાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો દ્વારા નવ્યાએ તેના ચાહકોને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં એડમિશન મેળવવાની જાણકારી આપી છે. ફોટો શેર કરવાની સાથે જ નવ્યાએ કેપ્શનમાં લખ્યું, ‘સપને સચ હોતે હૈ.’ આ સાથે નવ્યાએ જણાવ્યું છે કે, તે આ સંસ્થામાંથી વર્ષ 2026 સુધી અભ્યાસ કરશે. તેને લખ્યું છે, ‘આગામી 2 વર્ષ… શ્રેષ્ઠ લોકો અને શિક્ષકો સાથે! ‘બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ (BPGP MBA). તેણે કેપ્શનમાં પોતાના કોર્સનું નામ પણ સ્પષ્ટ કર્યું છે.
નવ્યાએ સોશિયલ મીડિયા પર એક નહીં પરંતુ ઘણી તસવીરો પોસ્ટ કરી છે. પ્રથમ તસવીરમાં તે કોલેજના ગેટ પર ઉભી અને IIMના નામ સાથે પોઝ આપતી જોવા મળે છે. આ સિવાય કેટલીક તસવીરોમાં તે પોતાની કોલેજની ઝલક આપતી જોવા મળે છે અને ઘણી તસવીરોમાં તે તેના નવા મિત્રો અને ફેકલ્ટી સાથે પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરો સામે આવતાની સાથે જ ચાહકોએ તેણે નવી શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા હતા. ઘણા યુઝર્સ નવ્યાને તેના કોર્સ વિશે પૂછતા જોવા મળે છે અને તે અહીં ક્યો કોર્સ કરવા આવી છે.
નવ્યાની આ તસવીરો પર કરિશ્મા કપૂરે લખ્યું, ‘અભિનંદન નવ્યા.’ અનન્યા પાંડે, શનાયા કપૂર, ઝોયા અખ્તરે પણ પ્રેમ વરસાવ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘ચાલો કંઈક તો નોર્મલ જોવા મળ્યું. એક તો તમે ભારતમાં ભણી રહ્યા છો અને બીજું કે નોર્મલ કોર્સ કરી રહ્યા છો, નહીં તો આવા મોટા પરિવારોમાં તમે વિચિત્ર કોર્સ કરો છો જે બહુ ઓછા લોકો કરતા હશે. અન્ય એક યુઝરે લખ્યું, ‘BPGP કોર્સ વિશે ક્યારેય સાંભળ્યું નથી, આ શું છે?’ તો કેટલાક લોકોએ પેપરો ક્લિયર કરીને કે પૈસા ભરીને એડમિશન લીધું તેવો સવાલ પણ કર્યો હતો. નવ્યાની આ પોસ્ટ પર આવી અનેક કોમેન્ટ્સ આવી રહી છે.
Navya Naveli Nanda Education : નવ્યા નવેલી નંદાનો પોર્ટફોલિયો અદ્ભુત છે
વિવિધ મીડિયા અહેવાલો અનુસાર નવ્યા નવેલી નંદાએ તેનું માધ્યમિક શિક્ષણ લંડનની સેવનોક્સ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. આ પછી તેણે વધુ અભ્યાસ માટે ન્યૂયોર્કની ફોર્ડહામ યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે. નવ્યાએ વિદેશની આ ખાનગી યુનિવર્સિટીમાંથી ડિજિટલ ટેકનોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. તે પ્રોજેક્ટ નવેલીના સ્થાપક છે. ભારતમાં લિંગ અસમાનતાના મુદ્દા સામે લડવા માટે આ એક ખાસ પહેલ છે.