હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 59 સ્થળોએ બનાવવામાં આવેલા 68 કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે. સૌ પ્રથમ સવારે 8 વાગ્યે પોસ્ટલ બેલેટથી મત ગણતરી શરૂ થશે અને ત્યારબાદ સવારે 8.30 વાગ્યે ઈવીએમથી મતગણતરી કરવામાં આવશે. આ સાથે 10,000 સુરક્ષાકર્મીઓ, ચૂંટણી અધિકારીઓ અને અન્ય સહાયક કર્મચારીઓ મતગણતરીની કામગીરીમાં જોડાયેલા રહેશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં માત્ર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ નહીં, અન્ય ઘણા રાજકીય પક્ષ પણ ચૂંટણી લડ્યા હતા. જેમાં બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા અને રાષ્ટ્રીય દેવભૂમિ પાર્ટી વગેરેનો સમાવેશ થાય છે. આજના ચૂંટણી પરિણામ અંગે આ બધા રાજકીય પક્ષોનું ભવિષ્ય પણ નક્કી થશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે.
હિમાચલ પ્રદેશના, મુખ્ય ચૂંટણી અધિકારી મનીષ ગર્ગે જણાવ્યું હતુ કે, સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી અપાયેલા મતની ગણતરી હાથ ધરાશે, ત્યાર બાદ ઈવીએમની ગણતરી હાથ ધરાશે. પોસ્ટલ બેલેટની ગણતરી આજે સવારે 8 વાગ્યે અને EVM ના મતની ગણતરી સવારે 8.30 વાગ્યે હાથ ધરાશે. ગત 6 ડિસેમ્બર સુધીમાં, રાજ્યભરના ચૂંટણી અધિકારીઓ દ્વારા ઓછામાં ઓછા 52,859 પોસ્ટલ બેલેટ પ્રાપ્ત થયા છે, જે 2017 કરતા 17 ટકા વધારે છે. 2017 માં, કુલ 45,126 પોસ્ટલ બેલેટ પ્રાપ્ત થયા હતા. એટલે કે, 2022ની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ દ્વારા 52,859 સેવા કર્મચારીઓએ મતદાન કર્યું હતું.