PM Modi એ બનાસકાંઠાથી રાજ્યમાં 53,172 આવાસોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું
પીએમ મોદી(PM Modi) બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન શુક્રવારે 30મી સપ્ટેમ્બરના રોજ તેમણે બનાસકાંઠા (Banaskantha)જિલ્લામાં રૂ.7908 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

પીએમ મોદી(PM Modi) બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન શુક્રવારે 30મી સપ્ટેમ્બરના રોજ તેમણે બનાસકાંઠા (Banaskantha)જિલ્લામાં રૂ.7908 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જે અંતર્ગત બનાસકાંઠાથી વડાપ્રધાન સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી,(PMJAY) પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના (વિકસતી જાતિ કલ્યાણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ રૂ.1967 કરોડના ખર્ચે તૈયાર થયેલા 53,172 થી વધુ આવાસોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. જેમાં 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53172 આવાસોનું લોકાર્પણ કર્યું હતું.
ખેડાના લેટર ગામ ખાતે બાળકોને તિથી ભોજન, તોરણ, દીવડા અને હવન કરાયું
વડાપ્રધાન અંબાજીથી સમગ્ર રાજ્યના અનેક પરિવારોને સામૂહિક ગૃહ-પ્રવેશ કરાવ્યો. ત્યારે રાજ્યના 09 જિલ્લાના 15 સ્થળોએ વિવિધ સાંસ્કૃતિક નૃત્ય, ગરબા, વેશભૂષા જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે હર્ષ ઉલ્લાસથી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો. જેમાં પંચમહાલ જિલ્લાના વંદેલી ગામમાં આદિવાસી ટીમલી નૃત્ય, ભંડોઈ ગામમાં ગરબા, માંગલિયાણા ગામમાં વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા પ્લે કાર્ડ જેવી પ્રવૃત્તિઓ યોજાશે. ખેડા જિલ્લાના લેટર ગામ ખાતે બાળકોને તિથી ભોજન, તોરણ, દીવડા અને હવન કરવામાં આવ્યા હતા.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સામૂહિક ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો
મહેસાણા જિલ્લાના અરઠી ગામમાં વેશભૂષા અને રંગોળી, ભટારીયા ગામમાં ભવાઈ, જગુદણ ગામમાં રંગોળી અને ગરબા કરવામાં આવ્યા. આ ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાના નવાલજા ગામમાં ગરબા, ઇન્દ્રાલ ગામમાં ભજન, જ્યારે નવસારી જિલ્લાના મીંઢાબારી ગામમાં પરંપરાગત ડાંગી નૃત્ય, અબ્રામા ગામમાં હવન અને પૂજા કરવામાં આવી હતી. બીજા જિલ્લાઓની વાત કરીએ તો, સુરેન્દ્રનગરના ટોકરળા ગામમાં પરંપરાગત ગૃહ પ્રવેશ, કચ્છના ફરાદી ગામમાં રસ-ગરબા, સુરતના કરચેલીયા ગામમાં ભીંતચિત્રો, વર્લી પેઈન્ટીંગ, આદિવાસી નૃત્ય તેમજ અરવલ્લી જિલ્લાના રેલ્લાવાડા ગામમાં ભજન જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સામૂહિક ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો.