Gujarat Election 2022: ધોરાજીમાં PM મોદીએ નામ લીધા વિના મેધા પાટકર અને રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર, કહ્યુ- જે બહેન આંદોલન કરતા હતા તેના ખભે હાથ રાખી કોંગ્રેસ નેતાની પદયાત્રા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ધોરાજીની જાહેર સભામાં નર્મદા મુદ્દે નામ લીધા વગર મેધા પાટકર અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે જે નર્મદાનું પાણી આજે કચ્છ-કાઠીયાવાડ માટે મુખ્ય સ્ત્રોત છે તેને ત્રણ-ત્રણ દાયકા સુધી રોકી રાખવામાં આવ્યું.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સોમનાથ મંદિરમાં પૂજા- અર્ચના કરી પ્રચારનો પ્રારંભ કર્યો છે. PM મોદીએ સોમનાથ મંદિરમાં જળાભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી. જે પછી સોમનાથમાં વડાપ્રધાને સભા સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્રના તમામ રેકોર્ડ ભુપેન્દ્ર તોડે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ કે હું બધા જ કામનો તમને હિસાબ આપીશ. ત્યારબાદ વડાપ્રધાને ધોરાજીમાં સભા ગજવી. જેમાં તેમણે નામ લીધા વગર મેધા પાટકર અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા.
કોમી દાવાનળને અમે દેશવટો આપ્યો – PM મોદી
વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, ખૂણે-ખૂણેથી એક જ અવાજ આવી રહ્યો છે. આ વખતે બહુમત સાથે ભાજપની સરકાર બનશે. ગુજરાતમાં સરકારે એટલો વિકાસ કર્યો છે કે એના માટે સપ્તાહ કરવી પડે. કાઠિયાવાડ પાણી માટે ટળવળતુ હતુ. પાણી માટે 2-3 કિલોમીટર દુર જવુ પડતુ હતુ, પરંતુ આજે સરકારે ઘરે-ઘરે પાણી પહોંચાડ્યુ છે. તો વધુમાં કહ્યું કે, કોમી દાવાનળને અમે દેશવટો આપ્યો.
મેધા પાટકરને લઈ વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધીની યાત્રામાં મેધા પાટકર જોડાયા બાદ ગુજરાતમાં ચૂંટણી વખતે જ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરાજીની જાહેરસભામાં નર્મદા મુદ્દે નામ લીધા વગર મેધા પાટકર અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે જે નર્મદાનું પાણી આજે કચ્છ-કાઠીયાવાડ માટે મુખ્ય સ્ત્રોત છે તેને ત્રણ-ત્રણ દાયકા સુધી રોકી રાખવામાં આવ્યું. પાણી ન પહોંચે તે માટે આંદોલનો કર્યા.
કોર્ટ-કચેરીમાં ઢસડી ગયા અને ગુજરાતને એટલું બદનામ કર્યું કે દુનિયાભરમાંથી ગુજરાતને પૈસા નહોતા મળતા. જે બહેન આંદોલન ચલાવતા હતા તેમના ખભે હાથ રાખીને કોંગ્રેસના નેતા પદયાત્રા કરી રહ્યા છે. ગુજરાતના વિરોધીઓને સાથ આપનારી કોંગ્રેસ ક્યા મોઢે તમારી પાસે વોટ માગવા આવે છે તે પૂછજો તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ. તેમણે કહ્યુ અમે નર્મદા યોજનામાં આવનાર તમામ વિઘ્નોને દૂર કર્યા છે. આજે ખેડૂતોની પાંચેય આંગળી ઘી માં છે. ઉપરાંત કહ્યું કે, અમે સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રયત્નો કર્યા છે.
સૌરાષ્ટ્રમાં દોઢ લાખ ચેક ડેમ બનાવ્યા – PM મોદી
વધુમાં PM મોદીએ કહ્યું કે, ગુજરાતીઓ પાણી દાર છે, અમે પાણી પગલા લીધા. રાજકીય દાવાઓમાં પાણીની સમસ્યા વર્ષો સુધી રહી. અગાઉ પાણી માટે ભારે મહેનત કરવી પડતી હતી. અમે પાણી માટે ગુજરાતભરમાં અભિયાન ચલાવ્યુ. સૌરાષ્ટ્રમાં દોઢ લાખ ચેક ડેમ બનાવ્યા છે. 100 દિવસમાં એક લાખ ખેત તલાવડી બનાવવાનું અભિયાન ચલાવ્યુ. આ અભિયાનથી પાણીના તળ ઉંચા આવ્યા. પાણીના મહાત્મ્યને સૌરાષ્ટ્રના લોકોએ સારી રીતે સમજ્યુ.
અમે ગુજરાતનું આખુ ચિત્ર બદલી નાખ્યું – PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલા વાળુ ટાળે પણ વીજળી ન મળતી. અમે ગુજરાતનું આખુ ચિત્ર બદલી નાખ્યું છે. ઘરના વડીલોને પુછજો કે પાણી માટે કેવા વલખા મારવા પડતા હતા. આગામી પેઢીને હવે પાણી માટે વલખા નહીં મારવા પડે. એક જમાનામાં ગુજરાતમાં સાયકલ બનતી નહોતી અને હવે વિમાનો બની રહ્યા છે. આઝાદીનો અમૃતકાળ છે, આગામી 25 વર્ષ આપણી સામે છે.