ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે લોકો અનોખા પ્રયાસ કરી રહ્યા છે. મતદાન જાગૃતિ માટે મહેસાણામાં એક પેટ્રોલ પંપના સંચાલકે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. 5 ડિસેમ્બરે મતદાનના દિવસે પેટ્રોલ,ડીઝલ અને CNG પૂરાવનારને લીટરમાં એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે પેટ્રોલ પંપના સંચાલકે જાહેરાત કરી છે. પેટ્રોલ ભરાવા આવનાર વ્યકિતને મતદાન કર્યાનું આંગળી પર નિશાન બતાવવું પડશે તો જ પેટ્રોલ, CNG અને ડીઝલમાં સંચાલક ગિરીશ રાજગોર ડિસ્કાઉન્ટ આપશે.
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત થયા છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તારીખ 5મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. આ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં.
મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને વિશેષ જાગૃત કરતાં જણાવ્યું હતું કે, તા. 5 મી ડિસેમ્બરે પણ મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે. પ્રથમ તબક્કાના મતદાન વખતે કેટલાક વિસ્તારોમાં મતદાન માટેના સમયગાળા બાબતે મતદારોમાં દ્વિધા હતી. આવું ન થાય અને દરેક જાગૃત નાગરિક સમયસર મતદાન કરી શકે એ માટે સૌએ ખાસ નોંધ લેવાની આવશ્યકતા છે કે, મતદાનનો સમયગાળો સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે
બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે તૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કામાં કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. 40 હજાર 66 જેટલા VVPAT પણ ઉપયોગ કરવામાં આવશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે જંગ જામશે. 2.51 કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.