Gujarat Election 2022 : હવે “અગ્રેસર ગુજરાત” અભિયાન થકી જનતાની નજીક પહોંચશે ભાજપ, સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા જાણશે મતદાતાઓનો અભિપ્રાય
આ અભિયાન અંતર્ગત ભાજપ સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા જનતા પાસેથી તેમના અભિપ્રાય, સૂચનો અને લાગણીઓ જાણવાનો પ્રયાસ કરશે. આ માટે ભાજપે તૈયારીઓ પૂર્ણ કરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ દરેક રાજકીય પાર્ટી જંગ જીતવા એડી ચોટીનુ જોર લગાવી રહી છે. ત્યારે 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ પણ સત્તા કાયમ રાખવા પ્રયાસ કરી રહી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ‘અગ્રેસર ગુજરાત’ અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત ભાજપ સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા જનતા પાસેથી તેમના અભિપ્રાય, સૂચનો અને લાગણીઓ જાણવાનો પ્રયાસ કરશે. આ માટે સુરત ભાજપે પણ તૈયારીઓ પૂર્ણ કરી છે.
સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા જનતાનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ
સુરતમાં વિધાનસભા દીઠ 50 સૂચન પેટીઓ મુકાશે. આ સૂચન પેટી લોકોની અવરજવર વધુ હોય તેવી જગ્યાએ મુકાશે જેથી જનતાને સૂચનો આપવામાં સરળતા રહે. આ ઉપરાંત વેબસાઇટ અને મોબાઇલ નંબરના માધ્યમથી પણ સૂચન આપી શકાશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં “અગ્રેસર ગુજરાત” અભિયાનમાં આગામી સમયમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રનાથ પાંડે અને ગિરિરાજસિંહ પણ જોડાશે.
27 વર્ષની સત્તાને કાયમી રાખવા ભાજપની કવાયત તેજ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ગયુ છે, ત્યારે હવે દરેક રાજકીય પક્ષે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. ભાજપનાઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ હવે પૂર્ણતાના આરે છે. આજે ભાજપના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન કરવામાં આવશે. દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે. મહત્વનું છે કે, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવવામાં આવશે. મળતી માહિતી મુજબ આ બેઠક બાદ 10 નવેમ્બરેની રાતે અથવા તો 11 નવેમ્બરે ભાજપના ઉમેદવારની યાદી જાહેર થશે.