
દક્ષિણ 24 પરગણાના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં બૂથ નંબર 177 પરના EVMમાં દર્શાવતા ભાજપના ચૂટણી ચિન્હના બટન પર પટ્ટી ચોંટાડેલી હોવાના આરોપો સામે આવ્યા છે. ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડાએ આ આરોપ લગાવ્યો હતો. દેવાંશુ પાંડા પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મતવિસ્તારના વિવિધ વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા હતા. જોકે, દેવાંશુને EVMનું નિરીક્ષણ કરવાની પરવાનગી આપવામાં આવી ના હતી. ચૂંટણી પંચે પુનરોચ્ચાર કર્યો છે કે. જો ફરિયાદ સાબિત થશે તો ફરીથી મતદાનનો આદેશ આપવામાં આવશે.
ફાલ્ટા એ ટીએમસી નેતા જહાંગીર ખાનનો વિસ્તાર ગણાય છે. આ વિસ્તારમાં બેલસિંગા સ્થિત બૂથ નંબર 186 પર સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો હતો. અહેવાલો અનુસાર, મતદાન મથકના 100 મીટરના દાયરામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. સુરક્ષા જાળવવા અને ભીડને વિખેરવા માટે, કેન્દ્રીય દળોના જવાનોએ લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના બાદ, વિસ્તારમાં તણાવનું વાતાવરણ છવાઈ ગયું છે; જોકે, મતદાન ચાલુ છે.
ફાલ્ટામાં EVM પર ટેપ લગાવવાની ઘટના પર ટિપ્પણી કરતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે પરિસ્થિતિ પર પણ નજર રાખી રહ્યા છીએ અને જરૂરી પગલાં લઈશું.” ચૂંટણી પંચે પણ આ બાબતની નોંધ લીધી છે. “જો આ જ પ્રકારનું કામકાજ ચાલુ રહેશે, તો યોગ્ય પગલાં લેવામાં આવશે. હું આ અંગે ઉમેદવાર સાથે વાત કરીશ. ભૂપેન્દ્ર યાદવે સવારે 9:00 વાગ્યે મને ફોન કર્યો હતો અને મેં તેમને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.” સુવેન્દુએ ઘટના અંગે ગૃહમંત્રી શાહને માહિતી આપી હતી
સુવેન્દુએ વધુમાં જણાવ્યું હતું કે, “થોડીવાર પહેલા જ ગૃહમંત્રી અમિત શાહે મને ફોન કર્યો હતો. મેં તેમને ફાલ્ટાની ઘટના વિશે માહિતી આપી હતી. આ એક લાક્ષણિક ટીએમસી રણનીતિ છે. અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. અત્યાર સુધી, કંઈ પણ અનિચ્છનીય બન્યું નથી. 35 ટકા મતદાન પૂર્ણ થઈ ગયું છે. હજુ ઘણું બધું ખુલવાનું બાકી છે. અમિત શાહે નિર્દેશ આપ્યો છે કે સીઈઓ સાથે પરામર્શ કરીને આ મામલાની તપાસ કરવામાં આવે.”
આ સમગ્ર ઘટના પર ટિપ્પણી કરતા, ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટિપ્પણી કરી હતી કે, મમતા બેનર્જીએ અગાઉ ડાયમંડ હાર્બરના ફાલ્ટાના ટીએમસી ઉમેદવાર જહાંગીર ખાનના સમર્થનમાં વાત કરી હતી, જેણે ફોજદારી આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. એવો આરોપ છે કે ઘણા મતદાન મથકો પરના EVM પર BJPના બટન પર પટ્ટી ચોટાડી દેવામાં આવી હતી જેથી લોકો ભાજપને મતદાન ના કરી શકે. આને ‘ડાયમંડ હાર્બર મોડેલ’ કહેવામાં આવી રહ્યું છે. આ પદ્ધતિ દ્વારા અભિષેક બેનર્જીએ અગાઉ પોતાની બેઠક સુરક્ષિત કરી હતી.