Gujarat Budget 2026-27: ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણને બૂસ્ટ, MYSYથી રિસર્ચ પાર્ક સુધી મોટા એલાન

ગુજરાત બજેટ 2026-27માં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર ફાળવણી સાથે વિકાસનો વ્યાપક રોડમૅપ રજૂ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગલક્ષી તક મળી રહે તે માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.

Gujarat Budget 2026-27: ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણને બૂસ્ટ, MYSYથી રિસર્ચ પાર્ક સુધી મોટા એલાન
Gujarat Budget 2026-27 Major Boost to Higher and Technical Education
| Edited By: | Updated on: Feb 18, 2026 | 2:42 PM

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રોત્સાહન આપે છે.

સરકારી કોલેજોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મરામત

રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો શરૂ કરવા, 20 કાર્યરત કોલેજોના બાંધકામ પૂર્ણ કરવા તથા 8 કોલેજોમાં નવા પ્રવાહ શરૂ કરવા માટે ₹126 કરોડ ફાળવાયા છે. 136 સરકારી કોલેજોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મરામત અને જાળવણી માટે ₹46 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રમતગમતના વિકાસ માટે સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવા ₹96 કરોડ ફાળવાયા છે. અમદાવાદ સ્થિત i-Hub અને તેના ચાર પ્રાદેશિક કેન્દ્રો માટે ₹80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપશે.

બે નવા બોયઝ હોસ્ટેલ બ્લોક માટે ₹51 કરોડ

સરકારી ટેકનિકલ સંસ્થાઓમાં આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સોફ્ટવેર માટે ₹67 કરોડ ફાળવાયા છે. અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે બે નવા બોયઝ હોસ્ટેલ બ્લોક માટે ₹51 કરોડ તથા રિસર્ચ પાર્ક માટે પણ ₹51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 માટે ₹45 કરોડ ફાળવાયા છે, જ્યારે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે પણ ₹45 કરોડ ફાળવાયા છે. કૌશલ્ય સહાય સ્કીમ હેઠળ અંદાજિત 2.12 લાખ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટે ₹43 કરોડનું પ્રોત્સાહન આપવામાં આવશે.

ગુજરાત નેવલ યુનિટ માટે બોટ હાઉસ નિર્માણની પણ જોગવાઈ

મોરબીની એલ.ઈ. કોલેજ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને નવા કોર્સીસ માટે ₹35 કરોડ ફાળવાયા છે. રાજકોટ ખાતે એન.સી.સી. લીડરશીપ એકેડેમી માટે ₹31 કરોડ ફાળવાયા છે. યુનિવર્સિટીઓમાં વાઇલ્ડલાઇફ, સેમીકન્ડક્ટર, હેરીટેજ અને લાઇફલૉંગ લર્નિંગ જેવા નવા અભ્યાસક્રમો માટે ₹28 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામનું આયોજન

19.84 લાખ વિદ્યાર્થીઓ માટે યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકનિકલ વિદ્યાર્થીઓને Industry-ready બનાવવા માટે ઉદ્યોગ સાથે જોડાણ મજબૂત બનાવાશે. ભાવનગર ખાતે ગુજરાત નેવલ યુનિટ માટે બોટ હાઉસ નિર્માણની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આ રીતે બજેટ 2026-27 ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે નવી દિશા અને દ્રષ્ટિ પ્રદાન કરે છે, જે રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટે સજ્જ બનાવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.