ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી એટલે કે IGNOU એ 2024-2025 શૈક્ષણિક સત્રથી ભગવદ ગીતા સ્ટડીઝમાં નવો માસ્ટર ઓફ આર્ટસ (MA) કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે યુનિવર્સિટી કો-ઓર્ડિનેટર ચંદ્રશેખર ભારદ્વાજે પુષ્ટિ કરી છે કે આ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
કોર્સ માટેની ઓફિશિયલ સૂચના જુલાઈ 3, 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ઉમેદવારો ઑનલાઇન મોડથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેમને હિન્દી માધ્યમમાં ગીતાના 18 અધ્યાય અને 700 શ્લોકોનો અભ્યાસ કરવાની તક મળશે.
ઉત્તર પ્રદેશના મેરઠમાં IGNOU કેન્દ્રમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અભ્યાસક્રમ માટે યોગ્યતા માપદંડ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રી છે. આ કોર્સ કરવા માટે જરૂરી નથી કે વ્યક્તિની શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ધાર્મિક કે ફિલોસોફિકલ અભ્યાસમાં હોય, પરંતુ દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ આ કોર્સ કરી શકે છે.
‘માસ્ટર ઓફ આર્ટસ ઇન ભગવદ ગીતા’ નો આ કોર્સ 2 વર્ષનો છે અને તેની ફી વાર્ષિક રૂપિયા 6,300 નક્કી કરવામાં આવી છે એટલે કે કોર્સની કુલ ફી રૂપિયા 12,600 છે.
તમે જાણતા જ હશો કે ભગવદ ગીતા એ હિંદુ ધર્મના સૌથી આદરણીય ગ્રંથોમાંનું એક છે અને તેથી જ આ અભ્યાસક્રમ ભગવદ ગીતાની ઊંડાણપૂર્વકની સમજ અને જ્ઞાન પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) દ્વારા આપવામાં આવશે એટલે કે વિશ્વભરના વિદ્યાર્થીઓ ઘરે બેસીને આ કોર્સ કરી શકશે. આ માટે તેઓએ કોઈ કોલેજમાં જવાની કે ક્લાસ લેવાની જરૂર નહીં પડે.
અભ્યાસક્રમનું સંચાલન હિંદુ અધ્યયન ક્ષેત્રના જાણીતા વિદ્વાન ડૉ. દેવેશ કુમાર મિશ્રા કરશે. જેમણે અભ્યાસક્રમ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ કોર્સ ભગવદ ગીતાના વિવિધ પાસાઓને આવરી લેશે. જેમાં માત્ર દાર્શનિક જ નહીં પરંતુ નૈતિક અને આધ્યાત્મિક પરિમાણોનો પણ સમાવેશ થાય છે.
આ કોર્સ IGNOUની સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ હેઠળ હાથ ધરવામાં આવશે. આ કોર્સને 19 ડિસેમ્બર 2023ના રોજ IGNOUની 81મી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. જો કે આ બેઠકમાં બીજા ઘણા નવા અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ‘માસ્ટર ઓફ આર્ટસ ઇન ભગવદ્ ગીતા’ એ ખાસ ધ્યાન ખેંચ્યું છે.