દેશના જાણીતા પશુ ચિકિત્સક અને રિજનરેટિવ બાયોટેકનોલોજીસ્ટ ડૉ. મોતીલાલ મદન (Dr. Moti Lal Madan)ને આ વર્ષના પદ્મ પુરસ્કારો (Padma Awards) માટે પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ડો. મોતીલાલ મદનને પદ્મશ્રી (Padma Shri) એવોર્ડથી સન્માનિત કર્યા છે. પ્રાણીઓ માટે કરવામાં આવેલા અનેક સફળ સંશોધનો માટે ડૉ. મોતીલાલને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં એક અલગ અને આગવી ઓળખ મળી છે.
ડૉ. મોતીલાલના કાર્યોને એ વાતથી સમજી શકાય છે કે તેમને હવે પ્રાણીઓના ક્લોન નિર્માતા કહેવામાં આવે છે. આપને જણાવી દઈએ કે હરિયાણાના કરનાલમાં સ્થિત નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તેમની સેવાઓ દરમિયાન, તેમણે પ્રાણીઓ પર IVF ટેકનિકનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અને એક જ ભેંસમાંથી એક વર્ષમાં 10 વાછરડાઓને જન્મ અપાવ્યો. ( એમ્બ્રીયો ટ્રાન્સફર ટેક્નોલોજી (ETT) વડે તેઓએ એક વર્ષના સમયગાળામાં એક જ માદામાંથી 10 વાછરડાં ઉત્પન્ન કર્યા.)
અહીં આપણે જાણીશું કે આખરે શું થયું કે ડૉ. મોતીલાલને પ્રાણીઓ માટે આ સંશોધનની જરૂર હતી. ડૉ. મોતીલાલનો જન્મ વર્ષ 1939માં શ્રીનગરમાં થયો હતો. તેઓ બાળપણમાં તેમના દાદા સાથે ઘણો સમય વિતાવતા હતા. એકવાર તેમના દાદાએ કહ્યું કે તેમની મોટાભાગની ગાયો અને ભેંસ સમય પહેલા વંધ્ય (Infertile)બની જાય છે. આટલું જ નહીં, ડૉ. મદનના દાદાએ જણાવ્યું કે તેમની આસપાસ ઘણી ગાયો અને ભેંસ આ મોટી સમસ્યાનો શિકાર બની રહી છે. દાદાની વાત સાંભળીને ડૉ. મદનને ઘણું દુઃખ થયું. તેમણે તે જ દિવસે નક્કી કર્યું કે તેઓ મોટા થઈને પ્રાણીઓ માટે કામ કરશે.
શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, તેમણે પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. જે બાદ તેઓ પીએચડીનો અભ્યાસ કરવા અમેરિકા ગયા હતા. ડૉ. મોતીલાલ કહે છે કે અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ વિશ્વના 33 દેશોમાં ગયા અને પ્રાણીઓ પર સંશોધન કર્યું. વિશ્વના 33 દેશોમાં સંશોધન કર્યા પછી, ડૉ. મદનને ખબર પડી કે પ્રાણીઓ વિશે ક્યારેય કોઈ અસરકારક સંશોધન અને શોધ થઈ નથી.
આ પછી તેમને હરિયાણાના કરનાલ આવવાનો મોકો મળ્યો. અહીં આવ્યા બાદ તેમણે પ્રાણીઓ પર સંશોધન કરવા માટે એક લેબ તૈયાર કરી. આ લેબમાં જ તેમણે પ્રાણીઓ માટે IVF ટેકનિકનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ડો. મદને ભેંસને IVF થી ગર્ભિત કરી. સમગ્ર વિશ્વમાં IVF ટેક્નોલોજી દ્વારા જન્મેલા પ્રથમ ભેંસના વાછરડાનું નામ ‘પ્રથમ’ રાખ્યું હતું.
ડો. મોતીલાલ મદન 12 થી વધુ હોર્મોન્સની મદદથી ગાય અને ભેંસ જેવા અન્ય પ્રાણીઓમાં પ્રજનન ક્ષમતા વધારવામાં સફળ થયા છે. આટલું જ નહીં, તેમણે ભારતમાં તેમજ વિશ્વના અનેક દેશોમાં ભેંસોના ગર્ભનું ક્લોનિંગ સફળતાપૂર્વક શરૂ કર્યું. જેની મદદથી વિશ્વની પ્રથમ ક્લોન ભેંસનો જન્મ ભારતમાં જ થયો હતો. ડો. મોતીલાલ મદાને પશુઓ અને પશુપાલકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે મોટી સિદ્ધિઓ મેળવી છે. તેમના યોગદાન માટે ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.
આ પણ વાંચો: Gangtok Tourism : ગંગટોકમાં શાનદાર ફરવા લાયક સ્થળો છે, એકવાર દરેકે અહીંની મુલાકાત લેવી જોઈએ
આ પણ વાંચો: હવે Maggiના પરાઠા બનાવ્યા, આ અત્યાચાર જોઈ યુઝર્સે કહ્યું ‘આ અક્ષમ્ય ગુનો છે’