ભારતમાં ચોખાના ઉત્પાદનને (Rice Production) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રાલયના (Agriculture Department) ડેટા અનુસાર, આ ખરીફ સિઝનમાં ગયા વર્ષના સમાન સમયગાળામાં 3% નો વધારો થયો છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે વૈશ્વિક સ્તરે ચોખાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અમેરિકાની દુકાનોની બહાર ચોખા લેવા માટે લાંબી કતારો લાગી ગઈ છે.
બીજી તરફ કઠોળને લઈને કેટલાક નિરાશાજનક સમાચાર જોવા મળ્યા છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં કઠોળના વાવેતર વિસ્તારમાં 10% નો ઘટાડો થયો છે. જેની અસર ઉત્પાદનમાં જોવા મળી શકે છે અને દાળના ભાવમાં વધારો જોવા મળી શકે છે.
સોમવારે કૃષિ મંત્રાલય દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મૂજબ ચાલુ ખરીફ સિઝનમાં 21 જુલાઈ સુધી ડાંગરનો વાવેતર વિસ્તાર 3 % વધીને 180.2 લાખ હેક્ટર થયો છે, જ્યારે કઠોળનો વાવેતર વિસ્તાર 10% ઘટીને 85.85 લાખ હેક્ટર થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં દરમિયાન ડાંગરનું વાવેતર 175.47 લાખ હેક્ટર અને કઠોળનું વાવેતર 95.22 લાખ હેક્ટર હતું.
ડાંગર એ મુખ્ય ખરીફ પાક છે, જેની વાવણી સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાથી શરૂ થાય છે. દેશના કુલ ચોખાના ઉત્પાદનમાં લગભગ 80% હિસ્સો ખરીફ સિઝનના વાવેતરમાંથી આવે છે. ડેટા મુજબ, શ્રી અન્ન અથવા બરછટ અનાજનો વિસ્તાર 21 જુલાઈ સુધીમાં વધીને 134.91 લાખ હેક્ટર થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 128.75 લાખ હેક્ટર હતો.
મંત્રાલયના ડેટા અનુસાર, તેલીબિયાં હેઠળનો વાવેતર વિસ્તાર વધીને 160.41 લાખ હેક્ટર થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 155.29 લાખ હેક્ટર હતો. મગફળીનો વાવેતર વિસ્તાર 34.56 લાખ હેક્ટરથી થોડો વધીને 34.94 લાખ હેક્ટર થયો છે. સોયાબીનનો વાવેતર વિસ્તાર 111.31 લાખ હેક્ટરથી વધીને 114.48 લાખ હેક્ટર થયો છે. કપાસનો વાવેતર વિસ્તાર 109.99 લાખ હેક્ટરથી ઘટીને 109.69 લાખ હેક્ટર થયો છે. શેરડીનો વાવેતર વિસ્તાર 53.34 લાખ હેક્ટર સામે 56 લાખ હેક્ટર હતો.
આ પણ વાંચો : Tomato Price: ટામેટા 5 દિવસમાં 49 રૂપિયા સસ્તા થયા, જાણો જુદા-જુદા શહેરના ભાવ
21 જુલાઈ, શુક્રવાર સુધીમાં તમામ મુખ્ય ખરીફ પાકો હેઠળનો કુલ વિસ્તાર વધીને 733.42 લાખ હેક્ટર થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 724.99 લાખ હેક્ટર હતો. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 8 જૂને ભારતમાં કેરળના દરિયાકાંઠે પહોંચ્યું હતું, જ્યારે તેની સામાન્ય તારીખ 1 જૂન હતી.