ખેતી સાથે જોડાયેલી દરેક સમસ્યાનું થશે સમાધાન, અહીં કોલ કરવા પર 22 ભાષાઓમાં મળશે જાણકારી
કિસાન કોલ સેન્ટર હેલ્પલાઈન નંબર પર કોલ કરવાથી ખેતી, બાગાયત, પશુપાલન, મત્સ્યોદ્યોગ, મધમાખી ઉછેર, ખેતીને લગતી સમસ્યાઓ, સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ અને હવામાનને લગતી માહિતી પણ આપવામાં આવે છે.

દેશની લગભગ 50 થી 60 ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે. આ તમામ ખેડૂતોની આવક વધારવા અને ખેતીને અપગ્રેડ કરવા માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. જોકે, જાગૃતિના અભાવે ખેડૂતો આ યોજનાઓનો લાભ લઈ શકતા નથી. વર્ષ 2004માં સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે આવા ખેડૂતો માટે કિસાન કોલ સેન્ટર હેલ્પલાઈન નંબર શરૂ કર્યો હતો. ગુજરાતમાં પણ ખેડૂતો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલ છે.
ખેડૂતો 22 ભાષાઓમાં માહિતી મેળવી શકે છે
ખેડૂતો ખેતી સંબંધિત તમામ માહિતી 18001801551 પર એક કોલ પર મેળવી શકે છે. આ એક મફત હેલ્પલાઇન સેવા છે. તેની શરૂઆત 21 જાન્યુઆરી 2004ના રોજ ભારતીય કૃષિ મંત્રાલય અને ભારત સરકારના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવી હતી. આ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ખેડૂત 22 ભાષાઓમાં માહિતી મેળવી શકે છે.
દેશભરમાં 13 કિસાન કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યા છે
કિસાન કોલ સેન્ટર હેલ્પલાઈન નંબર પર કોલ કરવાથી ખેતી, બાગાયત, પશુપાલન, મત્સ્યોદ્યોગ, મધમાખી ઉછેર, ખેતીને લગતી સમસ્યાઓ, સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ અને હવામાનને લગતી માહિતી પણ આપવામાં આવે છે. એક મીડિયાના અહેવાલ મુજબ દેશના વિવિધ ભાગોમાં લગભગ 13 કિસાન કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રો મુંબઈ, કાનપુર, કોચી, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, ચંદીગઢ, જયપુર, ઈન્દોર, કોલકાતા, દિલ્હી, અમદાવાદમાં સ્થિત છે.
આ સમયે ખેડૂતો હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે
હેલ્પલાઇન નંબર પર ફોન કરવા પર ત્યાં બેઠેલા કર્મી ખેડૂતોની તમામ સમસ્યાઓ સાંભળે છે અને તેમને મદદ કરે છે. આ ઉપરાંત ખેડૂતોની મદદ માટે કૃષિ નિષ્ણાતો પણ હાજર છે. આ નિષ્ણાતો ખેડૂતોને ગંભીર સમસ્યાઓ અંગે સલાહ આપે છે. તમે આ હેલ્પલાઈન નંબર પર અઠવાડિયાના તમામ દિવસોમાં કોલ કરીને માહિતી મેળવી શકો છો. કોલિંગનો સમય સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો છે.
ગુજરાતની વાત કરીએ તો કોઇપણ ખેડૂતને કૃષિ, બાગાયત અને પશુપાલનને લઈને અને સરકારી યોજનાઓનો લઈને કોઈપણ પ્રશ્ન, સમસ્યા કે માર્ગદર્શનની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર 6359011294 અને 6359011295નો સંપર્ક કરીને યોગ્ય સહાય/માહિતી મેળવી શકે છે. ખેડૂતો સવારે 10:30થી સાંજે 6:00 સુધી કોલ કરી શકશે. ગુજરાતના કોઇપણ ખૂણેથી ફોન કરીને મદદ મેળવી શકે છે.