ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદના (Rain) કારણે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય.
મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળી: સફેદ માખીનાં નિયંત્રણ માટે એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિ.લિ.નો છંટકાવ કરવો.
તુવેર: તુવેરનાં બિયારણનો દર ૧૫ થી ૨૦ કિલો હેક્ટર રાખવો અને બીજને કાર્બેન્ડાઝીનની ૩૦ ટકા માવજત આપવી. વાવેતર ઓગષ્ટ માસમાં કરી દેવું અને ખાતર ૧૧૦ કિલો ડી.એ.પી. આપવું.
સોયાબીન : સોયાબીનના ૩૦ દિવસ પછી સોયાબીનની બે હાર પછી ૧ હાર એરંડાની આંતર પાક પદ્ધતિ માટે વાવવી. મોલોનાં નિયંત્રણ માટે ડાયમીથોએટ ૧૦ મિલિ, મિથાઇલ ઓડીમેટોન ૧૦ મિલિ ૧૦ લીટર પાણીમાં નાંખી છંટકાવ કરો.
જુવાર: જુવારને ઓગષ્ટ કે તે પછીની વાવણીમાં બીજને દિવેલનો પટ્ટ આપ્યા બાદ થાયોમીથોકઝામ ૩ ગ્રામ / કિલો આપી તુરંત વાવેતર કરો.
આ પણ વાંચો : Success Story: રીંગણની ખેતી કરીને ખેડૂત બન્યો લખપતિ, જાણો કેવી રીતે આવકમાં થયો વધારો
ગાજર: ખેડૂતો ઓગસ્ટની શરૂઆતમાં ગાજરની ખેતી કરી શકે છે. ગાજર ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડોક્ટર ઘણા રોગોમાં ગાજરનું સેવન કરવાની સલાહ આપે છે. તેથી, બજારમાં તેની માગ રહે છે.
પાલક: લીલા શાકભાજીમાં પાલકની ખેતી વિશેષ છે. રવિ, ખરીફ અને ઉનાળુ ત્રણેય ઋતુમાં તેની ખેતી થાય છે. પાલકનું ઉત્પાદન વરસાદની મોસમમાં સારી રીતે થાય છે.
કોથમીર: કોથમીરને ખેડૂતો મસાલાના રૂપમાં વેચી શકે છે. તેની ખેતીથી સારો નફો મેળવી શકાય છે. કોથમીરનો ઉપયોગ તમામ શાકભાજી બનાવવામાં થાય છે. તેને અન્ય પાકો સાથે પણ ઉગાડી શકાય છે.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી