Rajkot: ધોરાજી પંથકના ખેડૂતોની એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, પાકમાં રોગના ઉપદ્રવથી ધરતીપુત્રો ચિંતિત
વાવેતરથી અત્યાર સુધી એક વીઘા દીઠ 5થી 7 હજારનો ખર્ચ પણ કરી નાખ્યો. અને વાતાવરણમાં આવી રહેલા સતત ફેર પલટાને કારણે હવે ઘઉં, જીરૂ, ડુંગળી ધાણા સહિતના ઉભા પાકમાં ગળો આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
રાજકોટ (Rajkot)જિલ્લાના ધોરાજી(Dhoraji)માં રવી પાક(Ravi Crop)માં રોગ આવી જતા ખેડૂતો(Farmers)ચિંતિત બન્યા છે. ખાસ કરીને ઘઉં, જીરું, ડુંગળી, લસણ, ધાણા સહિતના પાકમાં ગળો, મોલો મચ્છી, સુકારો અને થીપ્સ નામનો રોગ આવી જતા ધરતી પુત્રો ચિંતિત બન્યા છે.
ધોરાજી પંથકના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી એક બાદ એક આકાશી આફતો અને માનવ સર્જિત આફતો ખેડૂતોનો પીછો નથી મૂકી રહી. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક માવઠું આમ એક બાદ એક આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતોએ સારા ઉત્પાદન મળવાની આશાએ રવી પાકમાં ઘઉં અને જીરાનું વાવેતર કર્યું છે.
મોંઘા ભાવના બિયારણ જંતુ નાશક દવા સહિતની વસ્તુનો ઉપયોગ કરી ખેડૂતોએ વાવેતર કર્યું. વાવેતરથી અત્યાર સુધી એક વીઘા દીઠ 5થી 7 હજારનો ખર્ચ પણ કરી નાખ્યો અને વાતાવરણમાં આવી રહેલા સતત ફેર પલટાને કારણે હવે ઘઉં, જીરૂ, ડુંગળી ધાણા સહિતના ઉભા પાકમાં ગળો આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
ધોરાજીના ધરતી પુત્રોનું કહેવું છે કે ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યાં તેર તુટે એવી સ્થિતિ છે. લોકડાઉનમાં ખેડૂતોને એમની જણસીના ભાવના મળ્યા બાદ, આ વર્ષ ચોમાસુ પાક પર અતિવૃષ્ટિ થવાને કારણે કપાસ, મગફળીનો પાક નિષ્ફળ ગયો અને હવે રવિ પાકમાં રોગ આવી જતા ઉત્પાદન પર સરેરાશ 50 ટકા જેટલો ઘટાડો આવશે.
કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે વાવેતરના સમયે કૃષિ નિષ્ણાંતની સલાહ લેવામાં આવે, સમયસર પિયત આપવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે તો પાકને રોગથી બચાવી શકાય.
ઉપરાંત કમોસમી વરસાદથી પણ ખેડૂતોના પાકને અસર થઈ છે. ત્યારે રોગના ઉપદ્રવ સામે ખેડૂતો જંતુનાશક દવા (Pesticide) ના છંટકાવ કરી રહ્યા છે તેમ છતાં આ રોગ કાબૂમાં આવવા મુશ્કેલ છે ત્યારે જગતનો તાત આજે ચિંતત બન્યો છે.