બનારસી પાન અને લંગડા આમ પછી હવે કુંબમ દ્રાક્ષને GI મળ્યો છે. તમિલનાડુમાં આ દ્રાક્ષની ખેતી મોટા પાયે થાય છે. અહીં કુંબમ દ્રાક્ષને કુંબમ પનીર થ્રેચાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દ્રાક્ષની ખાસિયત એ છે કે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તમિલનાડુની બહાર પણ તેની માગ ઘણી છે. ખાસ વાત એ છે કે તમિલનાડુમાં 85% દ્રાક્ષ ઉત્પાદક ખેડૂતો માત્ર કુંબમ દ્રાક્ષની જ ખેતી કરે છે.
એક અહેવાલ મુજબ, તમિલનાડુમાં સ્થિત કુંબમ ખીણ દ્રાક્ષની ખેતી માટે પ્રખ્યાત છે. અહીં કુંબમ પનીર થ્રેચાઈના ઘણા બગીચા છે. આ ઉપરાંત થેની જિલ્લામાં પણ ખેડૂતો કુંબમ દ્રાક્ષની ખેતી કરે છે. પરંતુ, કુંબમ ખીણની દ્રાક્ષ કંઈક વધારે જ પ્રખ્યાત છે. કુંબમ ખીણના લગભગ 10 ગામોમાં મોટી સંખ્યામાં દ્રાક્ષાના બાગ છે. ખેડૂતો લગભગ 2,000 એકરમાં કુંબમ પનીર થ્રેચાઈની ખેતી કરે છે. આનાથી તેમને સારી કમાણી થાય છે.
કુંબમ ખીણની આબોહવા અને જમીનની ગુણવત્તા આ દ્રાક્ષની ખેતી માટે અનુકૂળ હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે અહીં ઉગાડવામાં આવેલ દ્રાક્ષના બગીચાઓ ઝડપથી ફળોથી ભરપૂર થઈ જાય છે અને ખૂબ જ ઓછા સમયમાં પાકી જાય છે.
અહીં ઉગાડવામાં આવતી દ્રાક્ષમાંથી વાઇન, જ્યુસ, કિસમિસ, સ્પિરિટ અને જામ બનાવવામાં આવે છે. તમિલનાડુમાં 1832માં પ્રથમ વખત દ્રાક્ષની ખેતી શરૂ કરવામાં આવી હતી. દ્રાક્ષની આ જાતની ખેતી ફ્રેન્ચ પાદરીએ શરૂ કરી હતી. આ દ્રાક્ષની અંદર વિટામીન, એન્ટીઓક્સીડેન્ટ અને ટાર્ટરિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે જાંબલી અને આછા ભૂરા રંગની દેખાય છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. કેટલાક લોકો તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરે છે.
GI ટેગ એ ભૌગોલિક સંકેત છે. તેનાથી ખરીદનારને ખબર પડે છે કે તે જે વસ્તુ ખરીદી રહ્યા છે તે કઈ જગ્યાએથી સંબંધિત છે. ખાસ વાત એ છે કે GI ટેગ મળવાથી તે પ્રોડક્ટનું બ્રાન્ડિંગ વધે છે. તેનાથી બજારમાં તેની માગ વધે છે. જેની સીધી અસર ખેડૂતોની કમાણી પર પડે છે. એટલે કે ખેડૂતોની આવક વધે છે. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે બનારસી પાનને પણ જીઆઈ ટેગ મળ્યો હતો. આ સિવાય બનારસની લંગડા કેરી અને મોરેનાની ગજકને જીઆઈ ટેગ મળ્યો છે.
GI ટેગ એટલે અંગ્રેજીમાં Geographical Indications of Goods એટલે કે જે વિસ્તારમાં વસ્તુ મળી આવતી હોય તેને તે વિસ્તારની સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવે. આ માટેનો કાયદો 2003માં લાગુ થયો હતો. વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO) અનુસાર, જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ એ એક પ્રકારનું લેબલ છે જે ઉત્પાદનને ચોક્કસ ભૌગોલિક ઓળખ આપે છે.
કૃષિ જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
APMC ભાવ સમાચાર, એગ્રિકલ્ચર ટેકનોલોજી ન્યૂઝ, સક્સેસ સ્ટોરી સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…