સુરત : કરોડોની છેતરપિંડીના કેસમાં નાગર દંપતિની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી, જાણો કેવી રીતે કરી ઠગાઇ ?
સુરત આર્થિક ગુના નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના (Surat) અડાજણની બજાજ એલાઇન્સ લાઇફ ઇન્સ્યોરન્સ બ્રાંચના મેનેજર રાકેશ જીવરાજ કોઠારી બે વર્ષ અગાઉ બારડોલીની ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો.
સુરતમાં 18 પરિચિતો પાસેથી રૂ.1.19 કરોડ ફંડ અને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી મહિને 2.5 ટકા રીટર્ન આપવાનો વાયદો કરી બાદમાં તે રકમ ક્રિપ્ટો કરન્સી (Cryptocurrency)અને શેરબજારમાં ડૂબી જતા ફરાર નાગર દંપત્તિને આર્થિક ગુના નિવારણ શાખાએ (Economic Crime Prevention Branch)ઝડપી પાડી તેમના વિરુદ્ધ જીપીઆઈડી એક્ટની કલમનો ઉમેરો કરવા પણ કાર્યવાહી હાથ ધરી છે.
સુરત આર્થિક ગુના નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના (Surat) અડાજણની બજાજ એલાઇન્સ લાઇફ ઇન્સ્યોરન્સ બ્રાંચના મેનેજર રાકેશ જીવરાજ કોઠારી બે વર્ષ અગાઉ બારડોલીની ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ત્યારે કંપનીના મેનેજર જયેશ નાગર અને તેની પત્ની પિન્કી સાથે મિત્રતા થઇ હતી. અને તેઓ એકબીજાના ઘરે આવ-જા કરતા હતા. દરમિયાન નાગર દંપતીએ ઇનોવેટીવ વેલ્થ મેનેજમેન્ટ ફંડ અને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું કહી મહિને 2.5 ટકા રીટર્નની અને મૂળ રકમ જયારે માંગશો ત્યારે પરત મળશે તેવી લાલચ આપી હતી. આથી રાકેશે રૂ.12 લાખનું રોકાણ કર્યુ હતું. રોકાણની સામે ફેબ્રુઆરીથી ડિસેમ્બર 2021 અંતર્ગત રૂ. 2.10 લાખ રીટર્ન નાગર દંપત્તિએ તેમને ચુકવ્યું હતું. પરંતુ જાન્યુઆરી 2022 માં કમિશન રોકાણનું રીટર્ન જમા થયું ન હતું. અને નાગર દંપતીના ફોન બંધ કરી અને પોતાનું રહેણાંક પણ ખાલી કરીને ભાગી ગયા હતા.
આ અંગે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઈ સાગર પ્રધાન અને સી.એસ.પટેલની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે નાગર દંપત્તિએ રાકેશ કોઠારી ઉપરાંત અન્ય 17 પરિચિતને પણ 2.5 ટકા રિર્ટનની વાત કરી પોતાની સ્કીમમાં કુલ રૂ.1.19 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જોકે, 17 જાન્યુઆરીના રોજ ભાડાનું મકાન ખાલી કરી ફરાર થયેલા નાગર દંપત્તિ અંગે તેમના પાડોશીઓ પાસે પણ કોઈ વિગત પોલીસને મળી નહોતી. આથી આર્થિક ગુના નિવારણ શાખાએ વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમનો પુત્ર સેવન્થ ડે સ્કૂલમાં ધો.11 માં અભ્યાસ કરતો હતો. અને તેની માર્કશીટ અને સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ તેઓ લઈ ગયા નથી. આથી પોલીસે સ્કૂલ પર વોચ રાખી ત્યાં માર્કશીટ લેવા આવેલી પિન્કી નાગરને ઝડપી પાડી, તેની પુછપરછના આધારે અમદાવાદ નરોડા દહેગામ રોડ સમૃદ્ધિ સ્કાય એપાર્ટમેન્ટ ફ્લેટ નં.બી/704 માં રેઇડ કરી ત્યાંથી જયેશ નાગરને પણ ઝડપી લીધો હતો.
બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે જના સ્મોલ ફાયનાન્સ બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતા જયેશ નાગરે નોકરી છોડી વર્ષ 2007 માં ઇનોવેટીવ વેલ્થ મેનેજમેન્ટ કંપની શરૂ કરી હતી. તેણે પરિચિતો પાસેથી મેળવેલા રૂ.1.19 કરોડ ક્રિપ્ટો કરન્સી અને શેરબજારમાં રોક્યા હતા. પણ પૈસા ડૂબી જતા રીટર્ન આપી શક્યા નહોતા. આ પ્રકરણમાં આર્થિક ગુના નિવારણ શાખાએ જીપીઆઈડી એક્ટની કલમનો ઉમેરો કરવા પણ કાર્યવાહી હાથ ધરી છે. આશંકા છે કે નાગર દંપત્તિએ અન્ય વધુ રોકાણકારો પાસે પણ રોકાણ કરાવ્યું છે. વધુ તપાસ પીએસઆઈ સાગર પ્રધાન કરી રહ્યા છે.
આ પણ વાંચો :Surat : સુરતના વરાછા વિસ્તારમાં વહુએ કરી સાસુની હત્યા, ભાગવા જતાં પોલીસે ધરપકડ કરી