Stone Killer: એક એવું કારણ જેનાથી હિતેષ રામાવત બન્યો સ્ટોન કિલર, જાણો આગળની કહાની અંતિમ ભાગમાં
શા માટે હિતેષે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો? ત્યારે હિતેષે એવા રાઝ ખોલ્યા કે, જે સાંભળીને થોડા સમય માટે પોલીસ પણ દંગ રહી ગઈ હતી.
હિતેષ રામાવત જ્યારે પોલીસના સકંજામાં આવ્યો હતો ત્યારે પોલીસે તેની પાસે હત્યાની ઘટનાઓનું રિક્રસ્ટ્રકશન કરાવ્યું હતુ અને તેની પુછપરછ કરી હતી કે, શા માટે તેણે ગુનાની દુનિયામાં દસ્તક દીધી. ત્યારે હિતેષે એવા રાઝ ખોલ્યા કે, જે સાંભળીને થોડા સમય માટે પોલીસ પણ દંગ રહી ગઈ હતી. હિતેષ શરૂઆતથી જ મારકુટ કરવાની ટેવવાળો હતો જેના કારણે હિતેષને તેના પરિવારજનો સાથે કોઇ સંપર્ક ન હતો તેના ભાઈએ પણ તેને કાઢી મુક્યો હતો જે બાદ તે રખડતુ ભટકતુ જીવન ગુજારતો હતો. શરૂઆતમાં તે કુરિયર કંપનીમાં કામ કરતો હતો જે બાદ તે ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો હતો બાદમાં તેને રિક્ષા લીધી હતી અને તે મવડી વિસ્તારમાં રિક્ષા ચલાવતો હતો. જો કે બાદમાં તેના મારકુટ કરવાની ટેવને કારણે તેના મિત્રોએ તેની સાથેનો સબંધ તોડી નાખ્યો હતો.
સમાજમાં તમામ લોકો સાથે સબંધ તોડી નાખતા હિતેષ નિરાશ થઇ ગયો હતો અને તેને રિક્ષા પણ વેચી નાખી હતી અને રખડતુ ભટકતુ જીવન વિતાવવા લાગ્યો હતો. ચારેય તરફથી જાકારો મળતા હિતેષ હતાશ થઇ ગયો. એટલી હદે તે તૂટી ગયો કે તેને આ દુનિયાને અલવિદા કરવાનું વિચારી લીધુ. તે કઇ રીતે મરવું તેની તરકીબ વિચારવા લાગ્યો પરંતુ ત્યારબાદ તેને વિચાર કર્યો કે, તે મરશે નહિ પરંતુ મારશે અને એટલા માટે હિતેષે હત્યાઓ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
16 વર્ષની ઉંમરે હિતેષ સમલૈંગિક સબંધનો શિકાર બન્યો
પોલીસના કહેવા પ્રમાણે હિતેષની ઉંમર 16 વર્ષની હતી ત્યારે તેને પ્રથમ વખત સમલૈંગિક સબંધ બાધ્યો હતો અને તેના માટે તેને 50 રૂપિયા પણ મળ્યા હતા. જેના કારણે તે સમલૈંગિક સબંધ બાંધવા લાગ્યો હતો. જ્યારે હિતેષે હત્યાઓ કરવાનો પ્લાન બનાવ્યો ત્યારે તેમણે સમલૈંગિક સબંધો ધરાવતા વ્યક્તિઓને ટાર્ગેટ કરવાનું વિચાર્યુ અને જે સ્થળે તેની સાથે પ્રથમ વખત સમલૈંગિક સબંધોનો શિકાર બન્યો હતો તે જ ભક્તિનગર સ્ટેશન પ્લોટના અવાવરૂ મેદાનમાં તેમણે સાગર મેવાડાને મોતને ઘાટ ઉતારી દીધો અને બાદમાં તેને આ સિલસીલો ચાલું રાખ્યો હતો.
ક્રાઇમ સિરીયલો અને ફિલ્મ જોવાનો શોખીન સ્ટોન કિલર
પોલીસના કહેવા પ્રમાણે હિતેષ ક્રાઇમ સિરીયલો અને ફિલ્મ જોવાનો શોખીન હતો અને તેના પરથી જ તે હત્યાનો પ્લાન બનાવતો હતો અને પોલીસથી બચવાની તરકિબો શોધતો હતો. એટલુ જ નહિ સ્ટોન કિંલીગ પર આધારિત હિન્દી ફિલ્મ રમન રાઘવ પણ તેને જોઇ હતી અને તેમાંથી જ પ્રેરાઇને તેણે પ્લાન બનાવ્યો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ લૂંટ કરેલા રૂપિયાથી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો અને આખો દિવસ ઘરમાં ક્રાઇમને લગતી સિરીયલો અને ફિલ્મ જોતો રહેતો હતો.
હાલમાં રાજકોટ જેલમાં છે હિતેષ રામાવત
સ્ટોનકિલર હિતેષ રામાવત હાલ રાજકોટની જેલમાં સજા કાપી રહ્યો છે. તેની વિરુધ્ધ પુરતા પુરાવાઓ એકત્ર કરીને તેની સામે કાયદાનો ગાળિયો મજબુત કરવામાં આવ્યો છે. જો કે જેલમાં રહીને પણ તેને પોતાની હરકતો છોડી નથી. તાજેતરમાં એક કાચા કામના કેદીએ હિતેષના ત્રાસથી આત્મહત્યાની કોશિશ કરી હતી. હિતેષ તેની પાસે અઘટીત માંગણી કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ કેસની રાજ્ય સરકારે પણ લીધી હતી નોંધ
સ્ટોનકિલરના આ કેસનો ભેદ ઉકેલવા માટે રાજકોટની પોલીસ એક ટીમ થઇને કામ કરતી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતની આગેવાનીમાં પોલીસે 70 દિવસ મહેનત કરીને આ કેસને ઉકેલી નાખ્યો હતો. જેની નોંધ રાજ્ય સરકાર દ્રારા લેવામાં આવી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અનુપમસિંહ ગેહલૌત અને તેની ટીમને અભિનંદન આપ્યા હતા જ્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્રારા આખી ટીમને એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવી હતી.
આગળના ભાગ વાંચવા આ લીંક પર ક્લિક કરો:
ભાગ-1: Stone Killer: સમલૈંગિક સંબંધથી લઇને હત્યા સુધીની સ્ટોન કીલરની સંપૂર્ણ કહાની