RAJKOT : દારૂની હેરાફેરી માટે બુટલેગરે કાઢ્યો નવો રસ્તો, પણ પોલીસની નજરથી ન બચી શક્યો
રાજકોટ રૂરલ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે રાજકોટ કાલાવડ હાઇવે પર વિદેશી દારૂનો જથ્થો લઇને એક શખ્સ આવી રહ્યો છે.
RAJKOT : દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા રસ્તા અને કીમિયા કરતા હોય છે. કોઈ વાહનમાં ચોરખાનું બનાવે છે તો કોઈ અન્ય વસ્તુ-ફળોમાં છુપાવીને દારૂની હેરાફેરી કરતા હોય છે. આવા બુટલેગરો ગમે તેટલી હોશિયારી વાપરે પણ પોલીસની બાજ નજરથી બચી શકતા નથી. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટ પોલીસે 192 દારૂની બોટલો અને 6 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે જે આ વિદેશી દારૂની ગેરફેરી કરી રહ્યો હતો.
ગુજરાતમાં દારૂબંધી છે જો કે બુટલેગરો દારૂની હેરાફેરી માટે અલગ અલગ નુસખાઓ શોધી કાઢે છે.રાજકોટ પોલીસ દ્વારા આવા જ એક કિમીયાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.રાજકોટ રૂરલ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે રાજકોટ કાલાવડ હાઇવે પર વિદેશી દારૂનો જથ્થો લઇને એક શખ્સ આવી રહ્યો છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને GJ-10-TX-1263 નંબરનો ટેમ્પો ત્યાંથી પસાર થતા તેને રોકવામાં આવ્યો હતો.
પોલીસે જ્યારે ટેમ્પામાં ચેકિંગ હાથ ધર્યું તો ટેમ્પોમાં કોઇ કાપડના પાર્સલ હોય તે રીતે પાર્સલ રાખવામાં આવ્યા હતા જો કે તે પાર્સલને જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 192 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.પોલીસે આ વિદેશી દારૂના જથ્થા સાથે નિલેશ રાતડિયા નામના વાહનચાલકની ધરપકડ કરી છે અને 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
હાલમાં રાજકોટ પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને અહીં કોને આપવામાં આવ્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.આર.ગોહિલના કહેવા પ્રમાણે વિદેશી દારૂના જથ્થાની ડિલેવરી અંગે ડ્રાઇવરની પુછપરછ કરવામાં આવી રહી છે.પોલીસને સચોટ બાતમી મળી હતી કે પાર્સલ પેકિંગમાં દારૂની હેરાફેરી થાય છે જેના આધારે વોચ ગોઠવવામાં આવી અને દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ LCB દ્વારા પાર્સલમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો. આજ રીતે થોડા સમય પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુરિયર કંપની મારફતે ચાલતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો.જેમાં કુરિયરમાં બંધ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને પોલીસે કુરિયર કંપનીના ગોડાઉનમાં દરોડો કરીને જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : 15 દિવસમાં વરસાદ ન પડ્યો તો સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ ગંભીર બનશે, ડેમોમાં આટલું જ બચ્યું છે પાણી
આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા