Surat : વેસુ વિસ્તારમાં યુવકનું રહસ્યમય મોત, નવનિર્મિત બિલ્ડીંગની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો મૃતદેહ
સુરતના વેસુ વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગની એક પાણીની ટાંકીમાં યુવકનું રહસ્યમય મોત થયું હોવાની ઘટના સામે આવી છે. યુવકનું મોત થતાં 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
Surat: સુરતના વેસુ વિસ્તારમાં (Vesu Area) નવનિર્મિત બિલ્ડિંગની એક પાણીની ટાંકીમાં યુવકનું રહસ્યમય મોત થયું હોવાની ઘટના સામે આવી છે. યુવક સાથે કામ કરતા અન્ય કામદારો યુવકને પાણીની ટાંકીમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો Surat : લો બોલો ! હવે શાકભાજીની પણ ચોરી, શાકભાજીના વધતા ભાવો વચ્ચે સુરતમાં 17 કટ્ટા બટેકાની ચોરી
સમગ્ર ઘટના મામલે પોલીસે મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. યુવકનું મોત થતાં બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ યુવક વેસુમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં આવેલા ત્રણ બેઝમેન્ટમાં સફાઈ કામગીરી કરતો હોવાનું સામે આવ્યું છે.
3 મહિના પહેલા જ સુરત આવ્યો હતો
મૂળ મહારાષ્ટ્રનો 37 વર્ષીય સંતોષ દેવીદાસ પાટીલ ઉધના ત્રણ રસ્તા પાસે રહેતો હતો. ત્રણ મહિના પહેલા જ વતનથી સુરત રોજગારી માટે આવ્યો હતો. સંતોષના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. જે વતન રહે છે અને સંતોષ સુરતમાં એકલો તેના વતનના અન્ય લોકો સાથે રહેતો હતો. સંતોષ બે મહિના પહેલા વેસુમાં નિર્માણાધિન બિલ્ડિંગ રાજહંસ ક્રીમોનિયમાં કામે લાગ્યો હતો. અહીં તેના વતનના લોકો પણ સાથે કામ કરતા હતા.
બેઝમેન્ટમાં સંતોષ સફાઈ કામગીરી કરતો હતો
સંતોષ બિલ્ડિંગમાં આવેલા ત્રણ બેઝમેન્ટમાં સંતોષ સફાઈ કામગીરી કરતો હતો. આ દરમિયાન ત્રીજા બેઝમેન્ટમાં આવેલી પાણીની ટાંકીમાંથી સંતોષ તરતી હાલતમાં મળી આવ્યો હતો. જેથી સાથી કામદારો તેને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
શોધખોળ કરતા પાણીની ટાંકીમાંથી મળી આવ્યો
મૃતકના મિત્ર કિશોરે જણાવ્યું હતું કે, કામદારોની ગણતરી સમયે એક કામદાર ઘટ્યો હતો. જેના કારણે સંતોષની શોધખોળ કરતા ઘૂંટણ સુધી ભરેલી પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. જે બાદ અમે તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તેના મોતનું કારણ જાણવા મળ્યું નથી. પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. આ અંગે વતન રહેતા તેના પરિવારને જાણ કરતા તેઓ પણ સુરત ખાતે દોડી આવ્યા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો