CBIએ કેડબરી ઇન્ડિયા વિરુદ્ધ નોંધ્યો કેસ, જાણો શું છે આ મામલો
CBIએ કેડબરી ઇન્ડિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં કંપનીના પૂર્વ અધિકારીઓ તેમજ અનેક સરકારી અધિકારીઓનું નામ સામેલ છે.

સીબીઆઈએ હિમાચલ પ્રદેશના બદ્દીમાં ભ્રષ્ટાચાર અને ફેક્ટને ખોટી રીતે રજુ કરીને ટેક્સ લાભ લેવાના આરોપ બદલ કેડબરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે કેસ નોંધાયો છે. કેડબરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હવે મોન્ડેલેઝ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાય છે. સીબીઆઈએ આ કંપનીના પૂર્વ અધિકારીઓ તેમજ અનેક સરકારી અધિકારીઓ સામે પણ કેસ દાખલ કર્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, એફઆઈઆર નોંધાયા બાદ સીબીઆઈએ સોલન, બદ્દી, મોહાલી, પિંજોર અને મુંબઇમાં 10 સ્થળો પર તપાસ કરી હતી. સીબીઆઈએ જણાવ્યું હતું કે એજન્સીએ પ્રાથમિક તપાસ હાથ ધરી જેમાં એવું બહાર આવ્યું છે કે કંપનીએ હિમાચલ પ્રદેશના બદ્દીમાં ક્ષેત્ર આધારિત ટેક્સ લાભ મેળવવા માટે તથ્યો અને દસ્તાવેજોની ખોટી રજૂઆત કરી હતી અને લાંચ આપવામાં આવી હતી. ત્યારબાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી.
કંપની સિવાય, એજન્સીએ સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ વિભાગના બે તત્કાલીન અધિકારીઓ, કેડબરી ઈન્ડિયા લિમિટેડ (સીઆઇએલ) ના તત્કાલીન વાઇસ ચેરમેન, વિક્રમ અરોડા, જેલબોય ફિલિપ્સ અને ડિરેક્ટર રાજેશ ગર્ગ સહિત કુલ 12 વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે.
2009-2011 વચ્ચે ગેરરીતિ
એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર કેડબરી ઇન્ડિયાએ હિમાચલ પ્રદેશમાં તેના 5 સ્ટાર અને જેમ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે 241 કરોડ રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટીનો લાભ ઉઠાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેરરીતિઓ 2009 અને 2011 ની વચ્ચે થઈ હતી.
સીબીઆઈના જણાવ્યા અનુસાર સીઆઈએલે બોર્નવિટા ઉત્પાદનો બનાવવા માટે સંધૌલી ગામમાં એક કારખાનાની સ્થાપના કરી હતી અને યુનિટે 19 મે 2005 થી ઉત્પાદન શરૂ કર્યું હતું. એજન્સીએ જણાવ્યું કે બે વર્ષ બાદ સીઆઈએલ દ્વારા ફાઇવ સ્ટાર અને જેમ્સ પ્રોડક્ટ્સ બનાવવા માટે બીજી ફેક્ટરી સ્થાપવા અને ઉત્પાદન વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, તેમજ બદ્દીના બરમાલ્ટ પાસે જમીન ખરીદી હતી. જેમાં તેને 10 વર્ષ માટે એક્સાઈઝ ડ્યુટી અને આવકવેરા ભરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી.