Aravalli: ગોઢકુલ્લા ગામમાં ભેદી બ્લાસ્ટમાં મહત્વનો ખુલાસો, હેન્ડ ગ્રેનેડનો બ્લાસ્ટ થયો હોવાનું SOGની તપાસમાં ખુલ્યું
અરવલ્લીમાં આ બ્લાસ્ટને લઇને છેલ્લા ચાર દિવસ થી તપાસનો ધમધમાટ શરુ કરાવમાં આવ્યો હતો. આ દરમ્યાન પોલીસને ચોંકાવનારી વિગતો એક બાદ એક હાથ લાગી છે. પોલીસે હવે યુવકના ઇતિહાસને શોધવાની પ્રયાસ કર્યો છે. જેના થી તેનાી માનસિકતા અને તેના કનેકશનની જાણકારી મેળવી શકાય.
ભિલોડા તાલુકાના ગોઢકુલ્લા ગામે ગત 28 ઓગષ્ટે ભેદી ધડાકો થવાના મામલામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસ દરમ્યાન પોલીસને મૃતકના ઘરમાંથી તેની તસ્વીરો સામે આવી છે, જેમાં યુવકના કમર પર હેન્ડ ગ્રેન્ડ લટકાવેલો હતો. તો બીજી તરફ ફોરેન્સીક તપાસ દરમ્યાન પ્રાથમિક જાણકારી સામે આવી છે કે, ધડાકો હેન્ડ ગ્રેનેડનો થયો હતો. ઘટનાને લઇને હવે પોલીસે હેન્ડ ગ્રેન્ડ મળવાને લઇને તપાસ હાથ ધરી છે. સાથે જ મૃતક યુવકના ઇતિહાસને પણ તપાસવાની પ્રક્રિયા શરુ કરી છે.
અરવલ્લી જીલ્લામાં હેન્ડ ગ્રેન્ડ દ્વારા બ્લાસ્ટ થવાને મામલે હવે પોલીસ સામે અનેક સવાલો પેદા થયા છે. જે સવાલો પોલીસને હવે ચોંકાવી રહ્યા છે. શરુઆતમાં ભેદી લાગી રહેલો ધડાકો હવે સ્પષ્ટ થઇ ચુક્યો છે. આ ધડાકો કોઇ સામાન્ય ધડાકો નહી પરંતુ હેન્ડ ગ્રેન્ડ બ્લાસ્ટ થવાનો ધડાકો હતો. જેને લઇને સવાલ એ છે કે, આ ગ્રેનેડ યુવક પાસે કેવી રીતે પહોંચ્યો હતો.
ગત 28 ઓગષ્ટે ધડાકો થવાની જાણકારી પોલીસને મળી હતી. જેને લઇને સ્થાનિક પોલીસના અધિકારીઓ અને ફોરેન્સિક તપાસની ટીમ દ્રારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે પોલીસને શરુઆત થી જ આ ઘટનામાં કોઇ શંકા લાગી રહી હતી. જોકે તે ધડાકાને લઇને કોઇ ચોક્કસ સ્પષ્ટતા થઇ શકતી નહોતી. આ માટે મૃતક રમેશ ફણેજાની લાશને ફોરેન્સીક તપાસ માટે મોકલવામા આવી હતી. જે દરમ્યાન પોલીસને મોતનું કારણ કોઇ વિસ્ફોટને લઇને થયાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યુ હતુ.
આ દરમ્યાન ફોરેન્સીક તપાસ પણ પ્રાથમિક રીતે જ આ બાબતને સુચવી રહી હતી. જેને લઇને પોલીસની ટીમો ચોંકી ઉઠી હતી અને ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરતા જ પોલસીને યુવકની એવી તસ્વીરો હાથ લાગી હતી કે, જેમાં યુવકના કમર પટ્ટા પર હેન્ડ ગ્રેનેડ લટકાવેલો હતો. જ્યારે બીજી એક તસ્વીરમાં તે એક બંદૂક સાથે જોવા મળી રહ્યો હતો. પોલીસે હવે આ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી કે, તેની આ તસ્વીરો પાછળના રાઝ શુ છે.
રેન્જ આઇજીએ સ્થળ મુલાકાત લીધી હતી
ઘટનાની ગંભીરતા શરુઆતથી જ શંકાસ્પદ લાગી રહી હતી. જેને લઇને ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને અરવલ્લી એસપી સંજય ખરાટ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. એસઓજીને આ અંગે ઉંડાણપૂર્વક તપાસનુ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જેમાં મૃતક સહિત બંને આરોપીઓના કનેકશનની વિગતો જાણવા માટે પણ પ્રયાસ કરાઇ રહ્યો છે. ક્યાંક પહેલા થી જ કોઇ ગતીવીધીઓ સાથે જોડાયેલો હતો કે કેમ તે દિશામાં તપાસ કરાઇ રહી છે.
પોલીસ ફરીયાદ મુજબ તળાવમાંથી મળ્યો હેન્ડ ગ્રેનેડ
શામળાજી પોલીસ મથકે સ્થાનિક SOG ના પીઆઇ એ ભરવાડે ફરીયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મુજબ મૃતક યુવકને તેમના ગામ તળાવ નજીકથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હતો. જે ગ્રેનેડને ઘરે લાવ્યા બાદ તે સાણસી વડે પીન નિકાળવા માટેનો પ્રયાસ કરી રહ્યો હતો અને એ દરમ્યાન તે બ્લાસ્ટ થવાને લઇને પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાથે જ પોતાના દોઢ વર્ષના બાળકે પણ જીવ ગુમાવ્યો હતો. આ માટે પોલીસે મૃતક રમેશ ફણેજા અને વિનોદ ઉર્ફે ભટ્ટો શંકરભાઇ ફણેજા બંને રહે ગોઢકુલ્લા તા. ભિલોડા. જી અરવલ્લી વિરુદ્ધ ફરીયાજ નોંધી છે. જેમાં તેમની સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝીવ એક્ટ મુજબના ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.