Surat : 18થી 59 વર્ષના નાગરિકોમાં બુસ્ટર ડોઝની ટકાવારી માત્ર 0.6 ટકા, આળસ પડી શકે છે ભારે
કોરોના મહામારી સામે સૌથી મહત્વપૂર્ણ સાબિત થનાર વેક્સીનના પ્રિક્રોશન ડોઝ (Booster dose)મુદ્દે શહેરીજનોની આળસ કોરોનાની સંભવિત ચોથી લહેરમાં તંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે. હાલ સુરત શહેરમાં 18થી 59 વર્ષના માત્ર 0.6 ટકા નાગરિકો દ્વારા જ પ્રિક્રોશન ડોઝ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કોરોના (Corona) મહામારીના પ્રારંભ બાદ પહેલી વખત સુરત (Surat) શહેર કોરોના મુક્ત બન્યું છે. છેલ્લા ઘણા સમયથી સતત ઘટી રહેલા કેસો સામે હોસ્પિટલમાં સારવારગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડાને પગલે હવે સુરત શહેરમાં એક પણ એક્ટીવ કેસ ન હોવાને કારણે તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. અલબત્ત, કોરોના મહામારી સામે સૌથી મહત્વપૂર્ણ સાબિત થનાર વેક્સીનના પ્રિક્રોશન ડોઝ (Booster dose)મુદ્દે શહેરીજનોની આળસ કોરોનાની સંભવિત ચોથી લહેરમાં તંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે. હાલ સુરત શહેરમાં 18થી 59 વર્ષના માત્ર 0.6 ટકા નાગરિકો દ્વારા જ પ્રિક્રોશન ડોઝ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ શહેરમાં પ્રિક્રોશન ડોઝનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 60 વર્ષથી વધુ અને હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર માટે શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં જ્યારે 18થી 59 વર્ષની ઉંમરના નાગરિકો માટે ખાનગી હોસ્પિટલમાં સુવિધા ઉભી કરવામાં આવી હતી. શહેરમાં નોંધાયેલા 60 વર્ષથી મોટી ઉંમરના 3.25 લાખથી વધુ નાગરિકો પૈકી 1.32 લાખ એટલે 40 ટકાએ પ્રિક્રોશન ડોઝ લીધો છે. જ્યારે 18થી 59 વર્ષમાં આ ટકાવારી ખુબ જ ચોંકાવનારી છે. 2.84 લાખની વસ્તી સામે માત્ર 1747 નાગરિકો દ્વારા જ પ્રિક્રોશન ડોઝ લેવામાં આવ્યો છે. જેને પગલે હવે તંત્ર દ્વારા આ દિશામાં સઘન ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના મહામારીના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવી દિલ્હીમાં પણ કોરોનાની વકરી રહેલી સ્થિતિને પગલે માત્ર ત્રણ સપ્તાહમાં જ પુનઃ માસ્ક ફરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં સુરત સહિત સમગ્ર રાજ્યમાં પણ કોરોનાની સંભવિત ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં કોરોના જેવી મહામારી વધુ એક વાર માથું ઉંચકે ત્યારે પ્રિક્રોશન ડોઝ સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે તેમાં કોઈ બેમત નથી.
12થી 14 વર્ષના બાળકોનું 86 ટકા વેક્સીનેશન
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારી વચ્ચે પણ વેક્સીનેશન પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ 12થી 14 વર્ષના બાળકોના વેક્સીનેશનના પ્રારંભ સાથે જ મનપા દ્વારા અલગ – અલગ ટીમો બનાવીને શાળાઓમાં વેક્સીનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલના તબક્કે શહેરમાં નોંધાયેલા 1.31 લાખ બાળકો સામે 1.12 લાખથી વધુ બાળકોના વેક્સીનેશનમાં સફળતા સાંપડી છે. આ રીતે જ 15થી 17 વર્ષના 90 ટકાથી વધુ બાળકોનું પણ વેક્સીનેશન પૂર્ણ થઈ ચુક્યું છે.
યુવાઓમાં જાગૃતિનો અભાવ જવાબદાર
સુરત શહેરમાં 18થી 59 વર્ષના નાગરિકો માટે આઠ અલગ – અલગ હોસ્પિટલોમાં પ્રિક્રોશન ડોઝ માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં હાલ 386 રૂપિયાના દરે પ્રિક્રોશન ડોઝ આપવામાં આવતાં હોવા છતાં મોટા ભાગના યુવાઓમાં આ અંગે આળસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. સરકાર દ્વારા વેક્સીનના બન્ને ડોઝ લીધાના 9 મહિના બાદ પ્રિક્રોશન ડોઝની ગાઈડ લાઈન નક્કી કરવામાં આવી છે. જો કે, આ અંગે યુવાઓ દ્વારા ધરાર આળસ કરવામાં આવતાં હવે તંત્ર દ્વારા આ અંગે જનજાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :Ahmedabad : 7 વર્ષનું બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયું, તબીબોએ ભારે જહેમત બાદ બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો