Omicron variant: બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે ઓમિક્રોન, બાળકોની આ રીતે કાળજી લો
ડોકટરોના જણાવ્યા અનુસાર જો બાળકને સતત તાવ, ગળામાં દુખાવો અને ભૂખ ન લાગવી જેવા લક્ષણ હોય તો તે ઓમિક્રોનનું લક્ષણ હોઈ શકે છે. આ સ્થિતિમાં કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ. જો કે બાળકોમાં લક્ષણો એકદમ હળવા હોય છે, પરંતુ તેમ છતાં સાવધાની જરૂરી છે.
CORONA : દેશમાં ઓમિક્રોન (Omicron)ના કેસ સતત વધી રહ્યા છે. બાળકો (Children)માં પણ ઓમિક્રોનના કેસ (Omicron’s case) નોંધાઈ રહ્યા છે. ડોકટરોનું કહેવું છે કે ઓમિક્રોન તમામ વય જૂથના લોકોને સંક્રમિત કરે છે, જો કે બાળકોમાં તેના લક્ષણો ખૂબ જ હળવા હોય છે, તેમ છતાં તેમને બચાવવા માટે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
અત્યાર સુધીમાં દિલ્હીમાં ચાર બાળકો આ નવા વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. જેમાંથી બે બાળકોને લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
લોકનાયક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 89 દર્દીઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે ગયા છે. જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે. તે તેના માતા-પિતા સાથે વિદેશ પ્રવાસેથી પાછા ફર્યા હતા અને એરપોર્ટ પર સંક્રમિત જણાયા હતા.
જીનોમ સિક્વન્સિંગમાં ઓમિક્રોનની પુષ્ટિ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાળકોમાં સંક્રમણના લક્ષણો હળવા હતા. તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટર કહે છે કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈ રસી નથી. આવી સ્થિતિમાં નાના બાળકોના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું જોઈએ.
બાળકોની સંભાળ રાખો
ડૉક્ટર સુરેશના જણાવ્યા અનુસાર, જો કોઈ બાળક માતા-પિતા સાથે વિદેશ પ્રવાસેથી પાછો આવ્યો હોય તો તેને ઓમિક્રોનથી સંક્રમિત થવાની સંભાવના છે. જો બાળકને સતત તાવ, ગળામાં દુખાવો અથવા ભૂખ ઓછી લાગતી હોય તો આ ઓમિક્રોનના લક્ષણો હોઈ શકે છે. આ સ્થિતિમાં કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ. ડૉકટરનું કહેવું છે કે હાલમાં બાળકોના ખોરાક અને પોષણ પર ધ્યાન આપવાની જરૂર છે. જો તેમને પણ ઉધરસ અને શરદી જેવી સમસ્યા હોય તો તેમને ફ્લૂની રસી ચોક્કસથી અપાવો. ભીડવાળી જગ્યાએ ન જવાનો પ્રયાસ કરો.
વિદેશમાં થઇ રહ્યુ છે સંક્રમણ
દક્ષિણ આફ્રિકા કે જ્યાંથી ઓમિક્રોન કેસ સામે આવ્યો હતો. ત્યાં, બાળકોને પણ મોટી સંખ્યામાં ઓમિક્રોનનું સંક્રમણ થયું હતું. આ સિવાય અમેરિકા, યુકે અને યુરોપમાં પણ બાળકોમાં સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ અનુસાર, ડિસેમ્બર 28 ના અઠવાડિયામાં 17 વર્ષ સુધીના બાળકો માટે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા લગભગ 378 હતી, જે પ્રથમ સપ્તાહની તુલનામાં 66.1% વધારે છે. જો કે, બાળકોને પણ પુખ્ત વયના લોકોની જેમ ઓમિક્રોનથી હળવી બીમારી થઈ રહી છે.
આ પણ વાંચોઃ GUJARAT : કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 1069 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 3927 થયા, ઓમિક્રોનના નવા 23 કેસ