2020 પછી વધી IPS ઓફિસરની વેકેન્સી, હજુ પણ 800થી વધુ જગ્યાઓ ખાલી
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે, ભારતીય પોલીસ સેવા અધિકારીઓની અધિકૃત સંખ્યા 4,984 છે. તેની સરખામણીમાં 4120 આઈપીએસ અધિકારીઓ ફરજ બજાવે છે.

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં IAS અને IPS અધિકારીઓની સંખ્યા વિશે માહિતી શેર કરી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સરકારે સિવિલ સર્વિસ પરીક્ષા 2020થી IPS સીધી ભરતીમાં ખાલી જગ્યાઓની સંખ્યા 150થી વધારીને 200 કરી છે. મંત્રીએ કહ્યું કે, નવા IPS અધિકારીઓની ભરતી નિવૃત્તિ, રાજીનામું, મૃત્યુ, સેવામાંથી દૂર કરવા વગેરે જેવા પરિબળોને કારણે કરવામાં આવે છે. આ ભરતીઓ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવે છે.
કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે માહિતી આપી હતી કે, 1 જાન્યુઆરી, 2022 સુધીમાં ભારતીય પોલીસ સેવા અધિકારીઓની અધિકૃત સંખ્યા 4,984 છે. તેમાંથી 4,120 IPS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ વર્ષે 144 IPS અધિકારીઓએ સેન્ટ્રલ ડેપ્યુટેશન માટે અરજી કરી છે. અત્યાર સુધીમાં લગભગ 95 IPS અધિકારીઓની વિવિધ સ્તરે નિમણૂક કરવામાં આવી છે.
IAS IPS IFS અધિકારીની સંખ્યા
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં IAS IPS IFS અધિકારીઓની સંખ્યા વિશે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હાલમાં દેશમાં સેવામાં 1472 IAS અધિકારીઓ, 864 IPS અધિકારીઓ અને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં 1057 જગ્યાઓ ખાલી છે. હવે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ આ અંગે માહિતી આપી છે.
જિતેન્દ્ર સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે, IAS ઓફિસરના પદ માટે કુલ 6789 લોકોની પસંદગી થવાની છે, જેમાંથી 5317 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ IPS ઓફિસરની વાત કરીએ તો 4984માંથી 4120 અધિકારીઓની ભરતી કરવામાં આવી છે અને 3191 IFS અધિકારીઓમાંથી 2134 ની ભરતી કરવામાં આવી છે.
કેન્દ્રીય વિભાગમાં ખાલી જગ્યાઓ
કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ખર્ચ વિભાગના વેતન અનુસંધાન યુનિટના વાર્ષિક અહેવાલ મુજબ, 1 માર્ચ, 2021 સુધીમાં, કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો હેઠળ 9,79,327 જગ્યાઓ ખાલી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો/સંસ્થાઓની જરૂરિયાત મુજબ ખાલી જગ્યાઓનું સર્જન અને ભરવું એ સતત પ્રક્રિયા છે. સરકારે પહેલાથી જ તમામ મંત્રાલયો/વિભાગોને સમયસર ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચનાઓ જાહેર કરી દીધી છે.